


પોરબંદર, 23 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મેયર સાગર મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં અનેકવિધ વિકાસલક્ષી અને જનસુવિધાના કાર્યો સતત ગતિમાન છે. આ કામગીરીના ભાગરૂપે શહેરના ઐતિહાસિક અને પર્યટન દૃષ્ટિએ મહત્વપૂર્ણ એવા કીર્તિ મંદિર માર્ગ ઉપર લાંબા સમયથી બંધ પડેલી ડેકોરેટિવ રજવાડી લાઇટોને ફરી કાર્યરત કરવામાં આવી છે.
ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીની નગરી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા પોરબંદરમાં વર્ષભર દેશ-વિદેશના પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. ત્યારે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ ઉપર અંદાજે 25 જેટલી ડેકોરેટિવ રજવાડી લાઇટો મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા ફરી શરૂ કરવામાં આવતા સમગ્ર માર્ગ રોશનીથી ઝગમગી ઉઠ્યો છે. જેના કારણે કીર્તિ મંદિર માર્ગની રાત્રિકાળીન સુંદરતામાં નોંધપાત્ર વધારો થયો છે અને આ વિસ્તાર વધુ આકર્ષક બન્યો છે.
મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર અજીત દાસા, સુપરવાઇઝર કિશોર કેશવાલા તથા કિરીટ કોટિયા સહિતની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરવા તેમજ બંધ પડેલી લાઇટોને પુનઃ કાર્યરત કરવાની કામગીરી સતત કરી રહ્યા છે. શહેરના જાહેર માર્ગો વધુ પ્રકાશિત અને સુરક્ષિત બને તે માટે રાત્રિના સમયે પણ ટીમ દ્વારા સ્થળ પર જઈને કામગીરી કરવામાં આવે છે. કીર્તિ મંદિર માર્ગ ઉપરની ડેકોરેટિવ લાઇટો ફરી શરૂ થતાં પ્રવાસીઓ માટે આ માર્ગ વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યારે સ્થાનિક નાગરિકોને પણ વધુ સારી પ્રકાશ વ્યવસ્થાનો લાભ મળી રહ્યો છે. શહેરની સુંદરતા વધારવા, પર્યટનને પ્રોત્સાહન આપવા અને નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે પોરબંદર મહાનગરપાલિકા સતત પ્રતિબદ્ધ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya