
પોરબંદર, 23 જૂન (હિ.સ.) પોરબંદર શહેર અને જિલ્લામાં તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. શહેરના ખારવાવાડ વિસ્તારમાં ઘરફોડ ચોરી અને ગોસાબારા ગામમાં રોકડ રકમની ચોરી સહિતની બે અલગ-અલગ ઘટનાઓમાં અજાણ્યા તસ્કરોએ કુલ રૂ.1.81 લાખથી વધુની માલમત્તા પર હાથફેરો કરતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. બંને બનાવોને લઈને સંબંધિત પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રથમ બનાવ પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલી ભવુ નવાડી શેરીમાં બન્યો હતો. અહીં રહેતા અને મોબાઇલ રિપેરિંગનો વ્યવસાય કરતા આરિફ સત્તારભાઈ કાજી ના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
ફરિયાદ મુજબ તસ્કરો મકાનમાં ઘૂસી ગયા બાદ ઘરમાં રહેલા કબાટના લોકરનું તાળું તોડી અંદર રાખેલી રોકડ રકમ તથા કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરો રૂ.67,005ની રોકડ રકમ, રૂ.7,900ના ચાંદીના દાગીના, ત્રણ એરબડ્સ, એક નેકબેન્ડ અને રિયલમી કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.81,305ની માલમત્તા ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે.
બીજો બનાવ પોરબંદર તાલુકાના દરિયાકાંઠાના ગોસાબારા ગામના ટુકડા ગોસા વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ગફુર હુસેનભાઈ ઢીમરના મકાનમાં અજાણ્યા તસ્કરે રાત્રિના સમયે પ્રવેશ કર્યો હતો. તસ્કરે મકાનના ફળિયામાં આવેલા સ્ટોરરૂમને નિશાન બનાવી લોખંડની જાળીઁમાંથી અંદર રાખેલી પતરાની પેટી બહાર ખેંચી લીધી હતી. ત્યારબાદ પેટીનું તાળું તોડી તેમાં રહેલી કાળી કોથળીમાંથી રૂ.1 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
એક જ દિવસમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બનેલી ચોરીની આ બે ઘટનાઓએ લોકોમાં ચિંતા ફેલાવી છે. ખાસ કરીને રાત્રિના સમયે તસ્કરોની વધતી હિંમતને કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે. બંને બનાવોમાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરોને ઝડપીં પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya