
ગાંધીનગર,23 જૂન (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના પોલીસબેડામાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજેતરમાં જ તેમની બદલીથી આવેલા માણસા પોલીસ સ્ટેશનના યુવા પોલીસકર્મીએ ઘરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું.
અગાઉ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, જ્યાંથી તાજેતરમાં જ તેમની બદલી માણસા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક યુવા પોલીસકર્મીએ ગત મોડી સાંજે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ અંતિમ પગલું ભરવા પાછળ પારિવારિક પ્રશ્નો જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, આત્મહત્યા કરનાર યુવા પોલીસકર્મીનું નામ પર્વ ગોસ્વામી છે, જેઓ વર્ષ 2017માં પોલીસ દળમાં ભરતી થયા હતા. તેઓ અગાઉ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, જ્યાંથી તાજેતરમાં જ તેમની બદલી માણસા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. ઘટનાના દિવસે પર્વ ગોસ્વામી ફરજ પર નહોતા અને રજા મંજૂર કરાવીને પોતાના ઘરે જ હતા, તે દરમિયાન ગત મોડી સાંજે તેમણે આ અણધાર્યું પગલું ભરી લીધું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને આશંકા છે કે કોઈ પારિવારિક કંકાસ કે માનસિક તણાવના કારણે યુવા કોન્સ્ટેબલે આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે.
હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ મૃતકના મોબાઈલ ડિટેઈલ્સ અને પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિગતવાર તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ