
પોરબંદર, 24 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં અગાઉ નિયત કરાયેલા કુલ 13 એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તમામ મુદ્દાઓને હાજર સભ્યોની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં શહેરના વનીકરણ અને સૌંદર્યીકરણને પ્રાથમિકતા અપાઈ છે. અંદાજે 78 લાખની ગ્રાન્ટમાંથી શહેરના વૃક્ષોનું સૌંદર્યીકરણ, જાળવણી તથા મુખ્ય માર્ગો પર દિશાસૂચક સાઈનેજ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની રોડ સેફ્ટી યોજના અંતર્ગત રિવરફ્રન્ટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ચિલ્ડ્રન પાર્ક વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે અંદાજે એક કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત છે. બીએસપી આવાસ યોજનાના મકાનોમાં વોટરપ્રૂફિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ કામગીરીઓ સ્થળ નિરીક્ષણ અને જરૂરી ચકાસણી બાદ હાથ ધરવામાં આવશે. ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીરલા રણ અને ગોઢાણિયા પમ્પિંગ સ્ટેશન ખાતે આવેલ પાંચ પંપોના સર્વિસિંગ અને રીપેરીંગના કામો હાથ ધરવામાં આવશે. બેઠકમાં *રતનપર બીચના* વિકાસ માટે રજૂ થયેલા ટેન્ડર અંગે સ્થળ તપાસ અને પ્રેઝન્ટેશનની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારની ગ્રાન્ટમાંથી ઓડદર સ્થિત ગૌશાળા માટે ઘાસચારા વ્યવસ્થા હેતુસર અંદાજે 3 કરોડની જોગવાઈ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એન્જિનિયરોના હાલના પગારધોરણમાં વધારો કરીને તેમને યોગ્ય મહેનતાણું આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ નંદેશ્વર વિસ્તાર તથા પેરેડાઈઝ ટોકીઝ નજીક આવેલા ગાર્ડનમાં અર્બન ફોરેસ્ટ અને વન કવચ વિકસાવવા માટેની જમીન ફોરેસ્ટ વિભાગને માત્ર વન કવચ વિકાસના હેતુસર સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ જમીનની માલિકી મહાનગરપાલિકા પાસે જ રહેશે. શહેરમાં મૃત ઢોરના સમયસર અને યોગ્ય નિકાલ માટે રજૂ કરાયેલા ટેન્ડરને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે બેઠકમાં રજૂ થયેલા તમામ 13 એજન્ડાઓ પર ચર્ચા કરીને હાજર સભ્યોની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, જનસુવિધાઓના વિસ્તરણ, પર્યાવરણ સંરક્ષણ તથા ચોમાસા પૂર્વેની તૈયારીઓને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya