સુરતમાં ગેરસમજનો ભોગ બન્યો યુવક, પીઠમાં 7 ઇંચનું ચપ્પુ ખૂંપ્યા બાદ કરાઈ તાત્કાલિક સર્જરી
સુરત, 26 જૂન (હિ.સ.) : સુરતના ડીંડોલી વિસ્તારમાં સુમુલ સર્કલ નજીક આવેલી ચાની લારી પર થયેલા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું, જેમાં રાજ સોની નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, રાજ પોતાના મિત્રો સાથે ચા પીવા ઉભો હતો ત્યારે નજીક
Knife


સુરત, 26 જૂન (હિ.સ.) : સુરતના ડીંડોલી વિસ્તારમાં સુમુલ સર્કલ નજીક આવેલી ચાની લારી પર થયેલા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું, જેમાં રાજ સોની નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, રાજ પોતાના મિત્રો સાથે ચા પીવા ઉભો હતો ત્યારે નજીકમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. હુમલાખોરોએ રાજને વિરોધી જૂથનો સભ્ય સમજી લીધો અને પાછળથી આવી તેની પીઠમાં અંદાજે 7 ઇંચ લાંબું ધારદાર રેમ્બો ચપ્પુ ઘોંપી દીધું.

હુમલા બાદ રાજને મિત્રો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. આશ્ચર્યની વાત એ રહી કે પીઠમાં ચપ્પુ ખૂંપેલું હોવા છતાં તે હિંમતપૂર્વક હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ સિટી સ્કેન કરવામાં આવ્યું અને ત્યારબાદ નિષ્ણાત ડોક્ટરોની ટીમે જટિલ સર્જરી કરીને તેની પીઠમાંથી ચપ્પુ સફળતાપૂર્વક બહાર કાઢ્યું. હાલ યુવકની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઈજાગ્રસ્ત યુવકનો હુમલાખોરો સાથે અગાઉ કોઈ વ્યક્તિગત વિવાદ નહોતો અને ગેરસમજના કારણે આ હુમલો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande