
ભાવનગર, 24 જૂન (હિ.સ.) ભાવનગર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે નાગરિકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે તે માટે મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે. આ સંદર્ભે માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્વયં મેદાનમાં ઉતરી શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ વરસાદી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે કાળિયાબીડ, વિરાણી સર્કલ, ભગવતી સર્કલ, સરદાર પટેલ સ્કૂલ વિસ્તાર, હિલ પાર્ક ચોકડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રોડ તેમજ વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ, ડ્રેનેજ વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી કામગીરી તેમજ તંત્રની તૈયારીઓ અંગે સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. કમિશનરે અધિકારીઓને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે જરૂરી પગલાં તાત્કાલિક લેવા સૂચના આપી હતી. ખાસ કરીને જ્યાં પાણી ભરાવાની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોમાં સતત મોનિટરિંગ રાખવા અને જરૂરી મશીનરી તથા માનવબળ તૈનાત રાખવા જણાવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉપરાંત, વરસાદી પાણીના નિકાલ માટે પંપિંગ મશીનો તથા અન્ય જરૂરી સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને પણ જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો અને કોઈપણ સમસ્યા સર્જાય તો મહાનગરપાલિકાના નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા અપીલ કરી હતી. તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ દરમિયાન શહેરમાં સામાન્ય જનજીવન સુચારૂ રહે તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA