

ગાંધીનગર, 24 જૂન (હિ.સ.) : BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં એક અત્યંત ગૌરવપૂર્ણ નાગરિક સન્માન પ્રાપ્ત થયું છે. 22 જૂન વર્જિનિયા રાજ્યના રોનોક શહેરના મેયર જોસેફ એલ. કોબ દ્વારા સત્તાવાર રીતે “પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ” જાહેર કરવામાં આવ્યો છે.
આ પ્રતિષ્ઠિત સન્માન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના મૂલ્યનિષ્ઠ જીવનશૈલી, ચારિત્ર્ય નિર્માણ, સમાજસેવા અને માનવકલ્યાણ માટેના પ્રેરણાદાયી યોગદાનની ઉજ્જવળ કદરરૂપ છે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે રોનોક શહેરને આઠ વખત “ઓલ-અમેરિકા સિટી એવોર્ડ” પ્રાપ્ત થયો છે, જેના કારણે આ સન્માનનું મહત્વ અને ગૌરવ અનેકગણું વધી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી મોટીવેશનલ સ્પીકર તરીકે ખૂબ જાણીતા છે, તેઓને અગાઉ પણ ખૂબ જ ગૌરવશાળી સન્માન પ્રાપ્ત થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ