
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-479 ટેકનિકલ ખામીના કારણે ભટકીને પાકિસ્તાનના હવાઇ ક્ષેત્રમાં પહોંચી ગઈ હતી. ઘટના સોમવાર રાત્રિની છે. પાકિસ્તાનની એર ટ્રાફિક ઓથોરિટી દ્વારા ચેતવણી આપ્યા બાદ વિમાને યુ-ટર્ન લીધો અને ભારતીય હવાઇ ક્ષેત્રમાં પાછું ફર્યું. બીજી તરફ, અમૃતસરમાં લેન્ડિંગની મંજૂરી ન મળવાના કારણે ફ્લાઇટને પરત દિલ્હી આવવું પડ્યું, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ સત્તાવાર સૂત્રોએ તેની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, ટેકનિકલ ખામીના કારણે વિમાન પોતાના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું હતું. હાલમાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ, એરબસ એ-321 વિમાને સોમવાર રાત્રે 9 વાગીને 07 મિનિટે દિલ્હીથી ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી આવતાં વિમાન પોતાના નિર્ધારિત રૂટથી ભટકી ગયું. જોકે સમયસર સ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી અને વિમાનને પાછું વાળી દેવામાં આવ્યું.
બીજી તરફ, અમૃતસર એરપોર્ટ પર લેન્ડિંગનો નિર્ધારિત સમય વીતી જતાં વિમાનને અમૃતસરમાં ઉતારવાની મંજૂરી મળી શકી નહીં. ત્યાર બાદ વિમાનને પાછું દિલ્હી લાવવામાં આવ્યું, જ્યાં તેની સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવી. લગભગ બે કલાક પછી ફરી મંજૂરી મળતાં વિમાને અમૃતસર માટે ઉડાન ભરી અને તડકે લગભગ અઢી વાગ્યે અમૃતસર એરપોર્ટ પર સુરક્ષિત ઉતર્યું.
આ ઘટનાના કારણે મુસાફરોને લગભગ ચાર કલાકના વિલંબનો સામનો કરવો પડ્યો. જેમને રાત્રે 10 વાગીને 30 મિનિટ સુધી અમૃતસર પહોંચવાનું હતું, તેઓ મોડીરાત્રે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શક્યા.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ