
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, 26 જૂન, શુક્રવારે અહીં વિજ્ઞાન ભવનમાં નાર્કો-કોર્ડિનેશન સેન્ટર (એનસીઓઆરડી)ની 10મી ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આયોજિત આ બેઠકમાં, દેશને નશામુક્ત બનાવવાના લક્ષ્ય તરફ વિવિધ મંત્રાલયો, રાજ્યો અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન અમિત શાહ ‘માદક પદાર્થ નિયંત્રણ અંગેનું વિઝન ડોક્યુમેન્ટ (2026-2029)’ તેમજ એનસીબી વાર્ષિક અહેવાલ-2025 જાહેર કરશે. વ્યાપક વિચારવિમર્શ બાદ તૈયાર કરાયેલા આ વિઝન દસ્તાવેજમાં માદક પદાર્થોની માંગમાં ઘટાડો, પુરવઠા પર નિયંત્રણ અને નશાથી થતી હાનિ ઘટાડવા માટે આગામી ત્રણ વર્ષનો સંયુક્ત રોડમેપ રજૂ કરવામાં આવશે.
દસ્તાવેજમાં સિન્થેટિક ડ્રગ્સ, ડાર્કનેટ મારફતે થતી દાણચોરી, યુવાનોને નશાથી દૂર રાખવા, સારવાર અને પુનર્વસન કેન્દ્રોના વિસ્તરણ તેમજ વિવિધ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ દસ્તાવેજ નરેન્દ્ર મોદીના ‘નશામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે માર્ગદર્શક માળખા તરીકે કાર્ય કરશે.
ગૃહમંત્રી આ પ્રસંગે ઓનલાઈન ડ્રગ ડિસ્પોઝલ ફોર્ટનાઇટ અભિયાનનું પણ શુભારંભ કરશે. આ વિશેષ અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ દ્વારા અંદાજે 2,09,500 કિલોગ્રામ માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે, જેની અંદાજિત કિંમત 6,000 કરોડ રૂપિયા છે. ઉપરાંત, અમિત શાહ જમ્મુ અને ગૌહાટીમાં નવા નિર્મિત એનસીબી ઝોનલ કચેરીઓનું પણ ઉદ્ઘાટન કરશે.
બેઠકમાં 44 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપરાંત રાજ્ય સરકારો અને માદક પદાર્થ કાયદા અમલીકરણ એજન્સીઓના 108 પ્રતિનિધિઓ પ્રત્યક્ષ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. બેઠકમાં આગામી ત્રણ વર્ષ દરમિયાન માદક પદાર્થોની દાણચોરી અને નશાની સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ