
-બિહાર આંદોલનને લોકશાહી બચાવનાર રાષ્ટ્રીય જનઆંદોલનની આધારશિલા ગણાવતા
-કહ્યું, જેપીના રાજકારણમાં પુનરાગમનથી ઊભો થયો આપાતકાલ વિરોધી જનસંઘર્ષ
-1975-77ના આંદોલનને લોકશાહીની બીજી આઝાદીની લડાઈ ગણાવી
પટણા, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) હિંદુસ્થાન સમાચાર સમૂહ દ્વારા બુધવારે પટણાના મીઠાપુર ઇન્સ્ટિટ્યુશનલ એરિયામાં આયોજિત ‘આપાતકાલના 50 વર્ષ : બિહાર આંદોલન અને આપાતકાલ’ વિષયક કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતાં વરિષ્ઠ પત્રકાર, વિચારક તથા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના અધ્યક્ષ પદ્મ ભૂષણ રામબહાદુર રાયે જણાવ્યું કે, જેમ 1942નું ‘ભારત છોડો’ આંદોલન દેશની રાજકીય સ્વતંત્રતાનો નિર્ણાયક અધ્યાય હતો, તેમ 1975થી 1977 દરમિયાન ચાલેલો આપાતકાલ વિરોધી સંઘર્ષ લોકશાહીની બીજી આઝાદીની લડાઈ હતો.
તેમણે કહ્યું કે, 1947માં દેશને વિદેશી શાસનમાંથી મુક્તિ મળી હતી, જ્યારે 1977માં ભારતીય લોકશાહીને તાનાશાહી વૃત્તિઓમાંથી મુક્તિ મળી. ભારતીય લોકશાહીના ઇતિહાસમાં બંને સંઘર્ષ સમાન રીતે મહત્વપૂર્ણ છે.
રામબહાદુર રાયે જણાવ્યું કે, બિહાર આંદોલનની સૌથી મોટી સિદ્ધિ લોકનાયક જયપ્રકાશ નારાયણનું સક્રિય રાજકારણમાં પુનરાગમન હતું. તેમણે કહ્યું કે, વર્ષ 1955 પછી જયપ્રકાશ નારાયણે, સક્રિય રાજકારણથી પોતાને અલગ કરી લીધા હતા અને ભૂદાન આંદોલન તથા રચનાત્મક કાર્યોમાં જોડાયા હતા, પરંતુ વર્ષ 1974માં તેમણે બિહાર આંદોલનનું નેતૃત્વ સ્વીકાર્યું. ત્યારબાદ વિદ્યાર્થી આંદોલન એક વ્યાપક રાષ્ટ્રીય જનઆંદોલનમાં પરિવર્તિત થયું અને લોકશાહીની રક્ષા માટેના સંઘર્ષની મજબૂત આધારશિલા રચાઈ.
રાયે જણાવ્યું કે, બિહાર આંદોલનને માત્ર ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન તરીકે જોવું તેના વ્યાપક સ્વરૂપને મર્યાદિત કરવાનું સમાન છે. આ આંદોલનનો મૂળ હેતુ, ‘સંપૂર્ણ ક્રાંતિ’ દ્વારા વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો હતો. જયપ્રકાશ નારાયણ માત્ર સત્તા પરિવર્તનના સમર્થક નહોતા, પરંતુ તેઓ શાસનવ્યવસ્થા, રાજકીય સંસ્કૃતિ અને સામાજિક માળખામાં વ્યાપક પરિવર્તન ઇચ્છતા હતા.
તેમણે જણાવ્યું કે, જેપીનું ચિંતન તે સમયની રાજકીય પરિસ્થિતિઓ કરતાં ઘણું વધુ વ્યાપક અને દૂરંદેશી હતું. તેનું પ્રમાણ એ છે કે, વર્ષ 1959માં જ તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને, પત્ર લખીને બંધારણ અને રાજ્યવ્યવસ્થાની વ્યાપક સમીક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે, તેઓ દેશની રાજકીય અને વહીવટી વ્યવસ્થામાં માળખાકીય સુધારાના સમર્થક હતા.
આપાતકાલની પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડતાં, મીસાના પ્રથમ બંધિ રહેલા રામબહાદુર રાયે જણાવ્યું કે, દિલ્હી ના રામલીલા મેદાનમાં, જયપ્રકાશ નારાયણના ભાષણને કારણે આપાતકાલ લાગુ કરવામાં આવ્યો હતો એવી માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. તેમણે કહ્યું કે, 12 જૂન, 1975ના રોજ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ચૂંટણીને, ગેરકાયદેસર જાહેર કર્યા બાદ ઊભા થયેલા રાજકીય સંકટે આપાતકાલનો માર્ગ મોકળો કર્યો હતો. સત્તામાં ટકી રહેવાની ઇચ્છા અને રાજકીય અસ્થિરતાની આશંકા તેના મુખ્ય કારણો હતા.
તેમણે જણાવ્યું કે, આપાતકાલના કારણો અને ઘટનાઓને સમજવા માટે શાહ કમિશનની રિપોર્ટ સૌથી પ્રમાણભૂત દસ્તાવેજ છે. કમિશનની રિપોર્ટ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, કેવી રીતે લોકશાહી સંસ્થાઓ, નાગરિક અધિકારો અને બંધારણીય પ્રક્રિયાઓને પ્રભાવિત કરવામાં આવી હતી.
રામબહાદુર રાયે જણાવ્યું કે, આપાતકાલ દરમિયાન હજારો લોકશાહી સમર્થક કાર્યકરોએ જેલયાત્રા કરી હતી અને નાગરિક સ્વતંત્રતાઓની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન સરસંઘચાલક બાલાસાહેબ દેવરસે, આ આંદોલનને દિશા આપવાની અને લોકશાહી સમર્થક શક્તિઓને સંગઠિત કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમણે જણાવ્યું કે, આપાતકાલ વિરોધી સંઘર્ષ માત્ર રાજકીય પક્ષો સુધી મર્યાદિત નહોતો, પરંતુ તે સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંગઠનો અને લોકશાહીમાં વિશ્વાસ રાખતા નાગરિકોનું સંયુક્ત આંદોલન હતું. આ વ્યાપક જનસમર્થને, તાનાશાહી વૃત્તિઓને પડકારવાનું કાર્ય કર્યું હતું.
રામબહાદુર રાયે જણાવ્યું કે, જાન્યુઆરી 1977માં ચૂંટણીની જાહેરાત બાદ, જનતાએ પોતાના મતાધિકાર દ્વારા આપાતકાલ વિરુદ્ધ સ્પષ્ટ નિર્ણય આપ્યો હતો. ચૂંટણીના પરિણામોએ લોકશાહીની પુનઃસ્થાપનાનો માર્ગ મોકળો કર્યો અને સાબિત કર્યું કે, ભારતીય સમાજ લોકશાહી મૂલ્યો પ્રત્યે ઊંડી આસ્થા ધરાવે છે.
તેમણે કહ્યું કે, 1977માં થયેલી લોકશાહીની પુનઃસ્થાપના ભારતીય જનતાની લોકશાહી ચેતના, સંઘર્ષશીલતા અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સૌથી મોટો પુરાવો છે. તેથી જ આપાતકાલ વિરોધી આંદોલનને, ભારતીય લોકશાહીની બીજી આઝાદીની લડાઈ તરીકે યાદ કરવામાં આવે છે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વક્તાઓએ લોકશાહી મૂલ્યોની રક્ષા અને આપાતકાલના અનુભવોમાંથી શીખ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
હિંદુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ