કટોકટીએ શીખવ્યું કે, લોકશાહીની રક્ષા માટે સમાજનું જાગૃત રહેવું જરૂરી છે : સુનીલ આંબેકર
- તાનાશાહી સામે લોકશાહીની જીતનું પ્રતિક છે ઇમરજન્સી વિરોધી સંઘર્ષ : સુનીલ આંબેકર - હિન્દુસ્થાન સમાચારના કાર્યક્રમમાં સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખે વ્યક્ત કર્યા વિચારો - કહ્યું, 19 મહિનામાં ઇમરજન્સીનો અંત ભારતીય સમાજની લોકશાહી ચેતનાની જીત
હિન્દુસ્થાન સમાચાર ના કાર્યક્રમ ને સંબોધિત કરતા આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર


-

તાનાશાહી સામે લોકશાહીની જીતનું પ્રતિક છે ઇમરજન્સી વિરોધી સંઘર્ષ : સુનીલ આંબેકર

-

હિન્દુસ્થાન સમાચારના કાર્યક્રમમાં સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખે વ્યક્ત કર્યા વિચારો

-

કહ્યું, 19 મહિનામાં ઇમરજન્સીનો અંત ભારતીય સમાજની લોકશાહી ચેતનાની જીત હતી

-

લોકશાહી, બંધારણ અને નાગરિક સ્વતંત્રતાની રક્ષા માટેના સંઘર્ષને રાષ્ટ્રીય જવાબદારી ગણાવ્યો

પટણા, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરનું માનવું છે કે, ઇમરજન્સીને 50 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની પ્રાસંગિકતા આજે પણ યથાવત છે. લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, બંધારણ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવા માટે તે સંઘર્ષનું સતત સ્મરણ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, સમાજમાં હંમેશા એવી શક્તિ હોવી જોઈએ, જે તાનાશાહી વલણોને નિયંત્રિત કરી શકે.

હિન્દુસ્થાન સમાચાર દ્વારા બુધવારે પટણાના મીઠાપુર ઇન્સ્ટિટ્યુશનલ એરિયામાં આયોજિત ‘ઇમરજન્સીના 50 વર્ષ : બિહાર આંદોલન અને ઇમરજન્સી’ વિષયક કાર્યક્રમમાં, મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતા સુનીલ આંબેકરે જણાવ્યું કે, ઇમરજન્સી માત્ર ઇતિહાસનો એક અધ્યાય નથી, પરંતુ લોકશાહીની રક્ષા માટે સમાજની સતર્કતાનું સૌથી મોટું ઉદાહરણ છે. આવનારી પેઢીઓને તે સમયના સંઘર્ષ અને બલિદાનથી પરિચિત કરાવવું જરૂરી છે.

તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈ રાજકીય પક્ષ નહોતો, છતાં ઇમરજન્સી દરમિયાન તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પછીથી જ કેટલીક રાજકીય શક્તિઓ સંઘને પોતાના પ્રતિસ્પર્ધી તરીકે જોતી હતી અને તેને સમાપ્ત કરવાની માનસિકતા પહેલેથી જ અસ્તિત્વમાં હતી. તેમના જણાવ્યા મુજબ, સંઘ પરનો પ્રતિબંધ માત્ર વહીવટી નહીં, પરંતુ રાજકીય કારણોસર લાદવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, વિશ્વના અનેક દેશોમાં તાનાશાહી દાયકાઓ સુધી ચાલી હતી, પરંતુ ભારતમાં સમાજની જાગૃતિ અને લોકશાહી ચેતનાના કારણે, માત્ર 19 મહિનામાં ઇમરજન્સીનો અંત આવ્યો. મોટા રાજકીય નેતાઓ જેલમાં હોવા છતાં સંઘના સામાન્ય કાર્યકરો અને લોકશાહી સમર્થક નાગરિકો સંઘર્ષ કરતા રહ્યા. તેથી જ લોકશાહીની પુનઃસ્થાપના શક્ય બની. તેમણે કહ્યું કે જો સમાજ જાગૃત ન હોત, તો ભારત પણ લાંબા સમય સુધી તાનાશાહીનો ભોગ બની શક્યું હોત.

આંબેકરે વધુમાં જણાવ્યું કે, સંઘનો સંઘર્ષ સત્તા પ્રાપ્ત કરવા અથવા માત્ર સંઘ પરનો પ્રતિબંધ દૂર કરાવવા માટે નહોતો, પરંતુ બંધારણ, લોકશાહી અને નાગરિક સ્વતંત્રતાની રક્ષા માટે હતો. આ સત્તા પરિવર્તનનો નહીં, પરંતુ લોકશાહી વ્યવસ્થાને બચાવવાનો સંઘર્ષ હતો. તેમણે કહ્યું કે, ઇમરજન્સી માત્ર રાજકીય સંઘર્ષ નહોતો, પરંતુ રાષ્ટ્રીય ચરિત્રની કસોટી હતી. આ એ નક્કી કરવાનો સંઘર્ષ હતો કે, ભારત તાનાશાહીની દિશામાં આગળ વધશે કે, લોકશાહી મૂલ્યો સાથે પ્રગતિ કરશે.

તેમણે ભારતીય બંધારણના મૂલ્યોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા ગણાવતાં કહ્યું કે, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાં જેવા વિચારો ભારતીય જીવનદર્શનનો અભિન્ન ભાગ છે. લોકશાહીની રક્ષા માત્ર કાયદાઓથી નહીં, પરંતુ સાંસ્કૃતિક ચેતના અને સામાજિક મૂલ્યો દ્વારા પણ થાય છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં જનજાગૃતિ સૌથી મહત્વપૂર્ણ તત્વ છે. જાગૃત સમાજ જ વ્યવસ્થાને યોગ્ય દિશા આપે છે અને રાજકારણનું ચરિત્ર પણ સમાજના ચરિત્ર પરથી જ નક્કી થાય છે.

હિન્દુસ્થાન સમાચારની ભૂમિકા અંગે ચર્ચા કરતાં આંબેકરે જણાવ્યું કે, આ સમાચાર સંસ્થાએ સ્થાપના સમયથી જ ભારતીય ભાષાઓ અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણને પ્રાથમિકતા આપી છે અને આજે 15થી વધુ ભારતીય ભાષાઓમાં સમાચાર સેવા પ્રદાન કરી રહી છે.

તેમણે કહ્યું કે, માહિતીના ઝડપથી બદલાતા યુગમાં સત્ય, સમાજહિત અને રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને સમાચાર આપતી સંસ્થાઓની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આપવામાં આવેલા ‘પંચ પરિવર્તન’ના આહ્વાનનો ઉલ્લેખ કરતાં તેમણે સામાજિક સમરસતા, પરિવાર વ્યવસ્થાને મજબૂત બનાવવી, પર્યાવરણમૈત્રી જીવનશૈલી, કર્તવ્યબોધ અને સમાજ જાગરણને લોકશાહીની મજબૂતી માટે જરૂરી ગણાવ્યા.

તેમણે જણાવ્યું કે, ભારતની યુવા પેઢી લોકશાહી અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. ઇમરજન્સી દરમિયાન યુવાનોએ લોકશાહીની રક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આજે પણ યુવાનોમાં દેશને આગળ વધારવાની સકારાત્મક ઊર્જા જોવા મળે છે. તેમણે કહ્યું કે, લોકશાહીની રક્ષા માત્ર રાજકીય પક્ષોની જ નહીં, પરંતુ સમગ્ર સમાજ, પરિવાર, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોની સંયુક્ત જવાબદારી છે.

જેપી સેનાનીઓનું સન્માન-

કાર્યક્રમમાં બિહાર આંદોલન અને ઇમરજન્સી વિરોધી સંઘર્ષ સાથે જોડાયેલા જેપી સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું. લોકશાહીની રક્ષા માટે સંઘર્ષ કરનાર આ સેનાનીઓના યોગદાનને યાદ કરતાં તેમને અંગવસ્ત્ર, સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા. ઉપસ્થિત લોકોએ તેમનું અભિનંદન કરી તેમના સંઘર્ષને નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો.

બિહાર આંદોલન અને ઇમરજન્સી આધારિત ‘યુગવાર્તા’ અને ‘નવોત્થાન’ સામયિકોનું લોકાર્પણ-

કાર્યક્રમ દરમિયાન બિહાર આંદોલન અને ઇમરજન્સી પર આધારિત પખવાડિક સામયિક ‘યુગવાર્તા’ અને માસિક સામયિક ‘નવોત્થાન’નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સામયિકોમાં ઇમરજન્સી કાળની ઘટનાઓ, લોકશાહી બચાવવા માટેના સંઘર્ષ, બિહાર આંદોલનની ભૂમિકા તેમજ તે સાથે સંકળાયેલા અગ્રણીઓના યોગદાનનું વિગતવાર સંકલન કરવામાં આવ્યું છે.

આ પ્રકાશનો માત્ર ઐતિહાસિક દસ્તાવેજ નથી, પરંતુ લોકશાહી ચેતનાના મહત્વપૂર્ણ સંદર્ભ ગ્રંથો છે. તેમણે જણાવ્યું કે, નવી પેઢીને ઇમરજન્સીના અનુભવો અને લોકશાહીની રક્ષા માટે થયેલા સંઘર્ષોથી પરિચિત કરાવવામાં આ સામયિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / જિતેન્દ્ર તિવારી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande