
મહેસાણા, 24 જૂન (હિ.સ.) : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA) મહેસાણાએ ઉનાવા ગામમાં ભેળસેળયુક્ત વરિયાળીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરી ૪૭૬૬ કિલોગ્રામ વરિયાળીનો જથ્થો સીઝ કર્યો છે. મળેલી બાતમીના આધારે તંત્રની ટીમે ઉનાવા સ્થિત શિવગંગા એસ્ટેટ, શનિદેવ મંદિર નજીક આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન વેપારી નીમકુમાર ગોવિંદભાઈ પટેલના ગોડાઉનમાં વરિયાળીમાં આર્ટિફિશિયલ કલર ભેળવી તેને વધુ લીલી અને ચમકદાર બનાવી બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. વરિયાળીને કલરયુક્ત બનાવી ૧ કિલોના પેકેટમાં પેક કરી ગ્રાહકો સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી હતી.
ફૂડ સેફ્ટી ઓફિસર ઉમંગભાઈ રાવલ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સમગ્ર જથ્થો જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમિયાન અંદાજે ₹૮.૫૭ લાખથી વધુ કિંમતનો ૪૭૬૬ કિલોગ્રામ વરિયાળીનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી ભેળસેળખોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR