ગાંધીનગર સ્પે.કોર્ટે પોક્સો કેસમાં 5 વર્ષની કેદ, ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા હુકમ
ગાંધીનગર, 24 જૂન (હિ.સ.) : ગાંધીનગર સ્પે.કોર્ટે પોક્સો કેસમાં 5 વર્ષની કેદ, ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો. ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ગાંધીનગર સ્પે.
Gandhinagar Special Court


ગાંધીનગર, 24 જૂન (હિ.સ.) : ગાંધીનગર સ્પે.કોર્ટે પોક્સો કેસમાં 5 વર્ષની કેદ, ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો. ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટ આરોપી કિશન મહેશજી ઠાકોરને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આરોપીને 30 હજારનો દંડ અને ભોગબનનાર સગીરાને રૂપિયા 2 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે,ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામે ઠક્કરવાસમાં રહેતા આરોપી કિશન મહેશજી ઠાકોરે ગત તારીખ 19 એપ્રિલ 2024ના રોજ બપોરે 3 થી સાંજના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન આ જ ગામની એક 15 વર્ષ અને 7 માસની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી પ્રાંતિજ મુકામે પોતાના એક સગાના મકાનમાં લઈ ગયો હતો અને ત્યાં રાખીને ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હતો.

આ ઘટના અંગે ભોગબનનાર સગીરાના પિતાએ 20 એપ્રિલ 2024ના રોજ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના અંતે ગાંધીનગરની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી.શર્મા કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી ભોગબનનાર સગીરા તેમજ અન્ય સાહેદોની મહત્વની જુબાનીઓ લેવામાં આવી હતી.

કોર્ટમાં સરકાર પક્ષે હાજર રહેલા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરએ દલીલો કરી હતી કે, ભોગબનનાર દીકરી તદ્દન નાની ઉંમરની સગીરા હોવાનું જાણવા છતાં આરોપીએ તેને લલચાવી-ફોસલાવી આવું ગંભીર કૃત્ય આચર્યું છે.

સમાજમાં આવા વિકૃત ગુનાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સમાજમાં એક મજબૂત દાખલો બેસે અને લોકો નવો ગુનો કરતા અટકે તે હેતુથી આરોપીને કાયદા હેઠળ સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ કરવો અનિવાર્ય છે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે પોક્સો એક્ટ કલમ 18 અન્વયે આરોપીને પાંચ વર્ષની કેદ અને 30 હજારનો દંડ ઉપરાંત પીડિતાને 2 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande