આડેસર ચેકપોસ્ટ પર એમ.ડી. ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ, બે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ
કચ્છ, 24 જૂન (હિ.સ.) : કચ્છમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેઈન હેઠળ આડેસર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આડેસર ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મેફેડ્રોન (એમ.
આડેસર ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓ


કચ્છ, 24 જૂન (હિ.સ.) : કચ્છમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેઈન હેઠળ આડેસર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આડેસર ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મેફેડ્રોન (એમ.ડી.) નામના પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડી ત્રણ આરોપીઓને કાયદાની જાળમાં લીધા છે. આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તરફથી કચ્છમાં પ્રવેશી રહેલી એક સફેદ રંગની મારુતિ સ્વિફ્ટ કારને રોકવામાં આવી હતી. પોલીસ દ્વારા કારની સઘન તપાસ હાથ ધરતા તેમાં સવાર એક વ્યક્તિ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારમાં સવાર ત્રણેય શખ્સોને કસ્ટડીમાં લીધા હતા.

તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના આકલ ગામના હૈદરઅલી હયાતઅલી રાજડ અને અકબરઅલી મહમદખાન રાજડ તેમજ કચ્છ જિલ્લાના મુન્દ્રા નિવાસી મિતેષભાઈ ભરતભાઈ જંગમનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ કેસ સાથે સંકળાયેલા અન્ય બે શખ્સોના નામ પણ સામે આવ્યા છે, જેમાં ભુજનો કિર્તી બાવાજી અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોવિંદ બિશ્નોઈનો સમાવેશ થાય છે. બંને હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ૯૮.૮૯૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક મારુતિ સ્વિફ્ટ કાર અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૬.૧૧ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત વધુ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝડપાયેલા આરોપીઓ સામે આડેસર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. પોલીસને આશા છે કે તપાસ આગળ વધતાં ડ્રગ્સના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો વિશે પણ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.

આ સમગ્ર કાર્યવાહી આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ટી.એસ. વાઘેલા અને પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી. કચ્છ જિલ્લામાં ડ્રગ્સના દૂષણ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સતત કાર્યવાહીથી ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ચિંતા વ્યાપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande