હળદડની આદર્શ કોલેજમાં ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંગે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ
બોટાદ, 24 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ મહિલા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે હળદડ સ્થિત આદર્શ કોલેજ ખાતે પી.ટી.સી. અને બી.એડ. અભ્યાસક્રમની વિદ્યાર્થીનીઓ માટે “ઘરેલુ હિંસા સામે મહિલાઓનું રક્ષણ અધિનિયમ-2005” વિષયક કાય
જાગૃત શિબિર યોજાઈ


બોટાદ, 24 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ મહિલા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે હળદડ સ્થિત આદર્શ કોલેજ ખાતે પી.ટી.સી. અને બી.એડ. અભ્યાસક્રમની વિદ્યાર્થીનીઓ માટે “ઘરેલુ હિંસા સામે મહિલાઓનું રક્ષણ અધિનિયમ-2005” વિષયક કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને યુવતીઓમાં કાયદાકીય જાગૃતિ વધે તેમજ તેઓ પોતાના અધિકારો અને સુરક્ષા સંબંધિત કાયદાઓ અંગે માહિતગાર બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા ઘરેલુ હિંસાની વ્યાખ્યા, તેના વિવિધ પ્રકારો અને મહિલાઓને કાયદા હેઠળ મળતા અધિકારો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શારીરિક, માનસિક, આર્થિક અને ભાવનાત્મક શોષણ જેવી પરિસ્થિતિઓમાં મહિલાઓ કઈ રીતે કાયદાકીય રક્ષણ મેળવી શકે તેમજ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શું છે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત સુરક્ષા અધિકાર, નિવાસ અધિકાર, ભરણપોષણ, કાઉન્સેલિંગ અને મફત કાયદાકીય સહાય જેવી મહત્વપૂર્ણ જોગવાઈઓની સમજણ આપવામાં આવી હતી.

બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, પીબીએસસી કાઉન્સેલર તેમજ ડીએચઈડબ્લ્યુ-ઓએસસી મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દ્વારા મહિલા સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા હેલ્પલાઇન-181, ઇમરજન્સી સેવા-112, શી ટીમ તથા સરકાર દ્વારા મહિલાઓ માટે ઉપલબ્ધ વિવિધ સહાયકારી સેવાઓ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો અને પોતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો રજૂ કર્યા હતા. નિષ્ણાતોએ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ અને અધ્યાપકગણે જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવા, કાયદાકીય સમજણ વિકસાવવા અને તેમને સ્વાવલંબી બનાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

આ શિબિરમાં મોટી સંખ્યામાં પી.ટી.સી. અને બી.એડ.ની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande