કવાંટમાં રૂ. 8 કરોડના રોડ પ્રોજેક્ટ વચ્ચે 100 વીજ પોલ હટાવવા એમજીવીસીએલ એ માંગ્યા રૂ. 2 કરોડ
- થાંભલા હટાવ્યા વિના જ રોડનું કામ શરૂ કરાતા અકસ્માતનો મોટો ભય - અધિકારીઓની ઉદાસીનતા અને ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છોટાઉદેપુર, 24 જૂન (હિ.સ.) : કવાંટ નગરમાં વિકાસ કાર્યોમાં સરકારી વિભાગો વચ્ચેના સંકલનનો મોટો અભાવ સપાટી પર આવ્ય
એમજીવીસીએલ


એમજીવીસીએલ


- થાંભલા હટાવ્યા વિના જ રોડનું કામ શરૂ કરાતા અકસ્માતનો મોટો ભય

- અધિકારીઓની ઉદાસીનતા અને ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ

છોટાઉદેપુર, 24 જૂન (હિ.સ.) : કવાંટ નગરમાં વિકાસ કાર્યોમાં સરકારી વિભાગો વચ્ચેના સંકલનનો મોટો અભાવ સપાટી પર આવ્યો છે. કવાંટ ટાઉનમાં અંદાજે રૂ. 8 કરોડ ના ખર્ચે 2 કિલોમીટર લાંબો આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટના માર્ગ વચ્ચે આવી રહેલા અંદાજે 100 જેટલા વીજ પોલ હટાવવાના મામલે કરોડો રૂપિયાનો ગૂંચવાડો ઊભો થયો છે.

રોડની મધ્યમાં નડતરરૂપ બનતા આ વીજ પોલ હટાવવા માટે જ્યારે R&B વિભાગે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ને લેખિતમાં જાણ કરી, ત્યારે MGVCL ના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા વીજ પોલ ખસેડવા માટે રૂ. 2 કરોડનું તોતિંગ એસ્ટિમેટ આપવામાં આવ્યું હતું. આ આંકડો જોઈને R&B ના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે કરોડોના આ પ્રોજેક્ટમાં માત્ર થાંભલા હટાવવા માટે આટલી મોટી રકમ R&B વિભાગ કેવી રીતે ભરી શકે? આ સીધી રીતે MGVCL ની નિષ્કાળજી અને અણઘડ આયોજન દર્શાવે છે. બીજી તરફ, R&B વિભાગના કર્મચારીઓ પણ સમયસર આ વિવાદનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને કોઈ ગંભીર ધ્યાન આપતા નથી.

એક તરફ ગ્રામજનો દ્વારા રોડ વહેલી તકે બનાવવાની માંગ સાથે વિરોધ વધી રહ્યો હતો, તો બીજી તરફ કરોડોનું ફંડ ભરી શકાય તેમ નહોતું. આખરે કંટાળીને R&B વિભાગે માર્ગની વચ્ચે જ વીજ કંપનીના થાંભલા રાખીને આર.સી.સી. રોડ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. રસ્તાની બિલકુલ વચ્ચે ઊભેલા આ લાઈવ વીજપોલ હવે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે મોતના કૂવા સમાન સાબિત થઈ રહ્યા છે. ચોમાસાની સિઝન નજીક હોય અને અધૂરામાં પૂરું આ માર્ગ પરથી પસાર થતા વાહનો ગમે ત્યારે આ થાંભલા સાથે અથડાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જેનાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે.બે સરકારી વિભાગો (R&B અને MGVCL) વચ્ચે ચાલી રહેલી આ અહમની લડાઈ અને ટેકનિકલ ગૂંચવાડામાં અંતે તો નિર્દોષ વાહનચાલકો અને કવાંટના ગ્રામજનોએ જ દુઃખ ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા આ 100 જેટલા વીજ પોલ રસ્તા વચોવચથી હટાવવામાં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande