
મહેસાણા, 24 જૂન (હિ.સ.)
મહેસાણા શહેરના સર્વાંગી વિકાસ, વહીવટી કાર્યક્ષમતા અને નાગરિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં શહેરના હિતને ધ્યાનમાં રાખી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા બાદ કુલ 9 મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
મંજૂર કરાયેલી દરખાસ્તોમાં 6 વહીવટી અને 3 વિકાસલક્ષી તેમજ બાંધકામ સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. આ નિર્ણયો શહેરમાં જરૂરી માળખાકીય સુવિધાઓના વિકાસ, નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા અને મહાનગરપાલિકાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
સભા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોને ગતિ આપવા, સુવિધાઓમાં વધારો કરવા તેમજ નાગરિકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સભ્યોએ શહેરના વિકાસ માટે રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા.
આ ઉપરાંત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી. સમિતિઓની રચનાથી વિવિધ વિભાગોની કામગીરીમાં વધુ સંકલન સર્જાશે અને નાગરિક સેવાઓ વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને અસરકારક રીતે ઉપલબ્ધ બની શકશે.
આ નિર્ણયો મહેસાણાના વિકાસને નવી દિશા આપવાની સાથે શહેરને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR