
મહેસાણા, 24 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ-2 ખાતે યોજાયેલા મમતા ડે કાર્યક્રમની આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ટોપનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે મમતા ડે અંતર્ગત આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, માતા અને બાળકના આરોગ્ય સંબંધિત કામગીરી તેમજ આરોગ્ય કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.
ટોપનોએ સ્થળ પર ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ, આશા વર્કર, એ.એન.એમ. અને અન્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી વિવિધ આરોગ્ય યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોના આરોગ્યની નિયમિત દેખરેખ, સમયસર રસીકરણ અને પોષણ સંબંધિત સેવાઓને વધુ ગુણવત્તાસભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મુલાકાત દરમિયાન લાભાર્થીઓ સાથે પણ સંવાદ સાધી તેમને મળતી આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓને લોકો સુધી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચાડવા અને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.
આ મુલાકાતથી આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તેમજ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR