
મહેસાણા, 24 જૂન (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કઠોળ પાકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી ‘આત્મનિર્ભરતા ઇન પલ્સિસ યોજના’ અંતર્ગત મહેસાણા તાલુકામાં પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ ખેડૂતોને અડદના પ્રમાણિત બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ યોજનાના ભાગરૂપે ગ્રામસેવક દ્વારા તાલુકાના લાભાર્થી ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત અડદના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું. યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ઉપલબ્ધ કરાવી કઠોળ પાકનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાનો છે. પ્રમાણિત બિયારણના ઉપયોગથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે તેમજ ખેડૂતોને વધુ ઉત્પાદન અને સારી આવક મેળવવામાં મદદ મળે છે.
બિયારણ વિતરણ દરમિયાન ખેડૂતોને અડદની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, સમયસર વાવણી, પાક સંરક્ષણ અને યોગ્ય માવજત અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિભાગના અધિકારીઓએ ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ખેડૂતોએ સરકારની આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત બિયારણની ઉપલબ્ધતાથી કઠોળ પાકોના ઉત્પાદન વધારવામાં મદદ મળશે. આ યોજના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તેમજ કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR