મહોરમના તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવવા માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ
અમદાવાદ, 24 જૂન (હિ.સ.) : આગામી મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના
file photo Muharram festival


અમદાવાદ, 24 જૂન (હિ.સ.) : આગામી મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકે તમામ શહેર, જિલ્લા,રેન્જ અને યુનિટના વડાઓને મહોરમના જુલૂસ,તાજીયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક ‘બંદોબસ્ત સ્કીમ’ તૈયાર કરવા સૂચના આપી હતી.

વિરમગામ શહેર પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમ પર્વ પૂર્વે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક વિરમગામના ડીવાયએસપી તપનસિંહ ડોડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવાનો તેમજ શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવાનો હતો.

બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાજીયાની ઊંચાઈ, તાજીયાના નક્કી કરેલા રૂટ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત આયોજનનો સમાવેશ થાય છે. તહેવાર દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેની રણનીતિ ઘડવામાં આવી હતી.

પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતીથી દૂર રહેવા માટે નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી હતી. તમામ નાગરિકોને તહેવાર દરમિયાન શાંતિ, સૌહાર્દ અને કોમી એકતા જાળવી રાખવા વિનંતી કરવામાં આવી હતી. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરાયો હતો.

બેઠકમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો અને અગ્રણીઓએ પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોહરમનો આ પવિત્ર તહેવાર સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે તેઓ પોલીસ તંત્રને પૂરેપૂરો સહયોગ આપશે.

કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા તાકીદ કરી હતી. તહેવાર દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી સંખ્યામાં એસઆરપીએફ કંપનીઓ અને પ્લાટૂનની ફાળવણી કરવામાં આવી છે. બંદોબસ્તમાં તૈનાત તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર મોકલતા પૂર્વે તેમની જવાબદારીઓ, વિસ્તારની સંવેદનશીલતા અને ઇમરજન્સી પ્રોટોકોલ અંગે યોગ્ય બ્રીફિંગ આપવા આદેશ આપ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande