
જામનગર, 24 જૂન (હિ.સ.) જામનગરમાં સિટી-એ ડિવિઝન પોલીસ મથકના લોકરક્ષક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજાને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે ફરજમાં ગંભીર બેદરકારી, નિષ્કાળજી અને પોલીસ સત્તાના દુરુપયોગના આક્ષેપો છે.
સસ્પેન્શન આદેશ મુજબ, અજયસિંહ જાડેજા 22 જૂન 2026ના રોજ ડાયલ-112 જનરક્ષક પીસીઆર વાનના ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા. આરોપ છે કે તેઓ નિયમિત પોલીસ યુનિફોર્મમાં ન હતા અને કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી વગર ડાયલ-112 મોબાઇલ વાન લઈને પોતાના નિર્ધારિત પેટ્રોલિંગ રૂટની બહાર ગયા હતા.આક્ષેપ મુજબ, તેઓ જામનગરના અન્ય ત્રણ વ્યક્તિઓને લઈને પંચ બી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં અકસ્માત સંબંધિત મુદ્દે બોલાચાલી દરમિયાન, પોલીસ કર્મચારીએ એક પક્ષનો તરફેણી વલણ અપનાવ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.સસ્પેન્શન આદેશમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત વ્યક્તિ કેફી પદાર્થના પ્રભાવ હેઠળ હોવાની જાણ હોવા છતાં, પોલીસ કર્મચારીએ તેની તરફેણ કરી અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી અને ઝઘડાની પરિસ્થિતિ સર્જી હતી. જિલ્લા પોલીસ વડાએ આ સમગ્ર ઘટનાને ગંભીર શિસ્તભંગ અને ફરજ પ્રત્યેની બેદરકારી ગણાવી છે.પોલીસ વિભાગ દ્વારા સમગ્ર મામલે વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt