
ભાવનગર, 24 જૂન (હિ.સ.) રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના સિદસર-શામપરા મોડલ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને ભૂલકાંઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મંત્રીના હસ્તે બાલવાટિકામાં 12 , આંગણવાડીમાં 38 તેમજ ધોરણ1,6,9 અને 11 માં મળીને 400 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ બાળકોને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો લોકભાગીદારી આધારિત અભિયાન છે. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરીને તેને સિદ્ધ કરવા સતત મહેનત કરવાની પ્રેરણા આપી હતી. સાથે જ વાલીઓને બાળકોના અભ્યાસ અને સંસ્કાર પ્રત્યે સતત જાગૃત રહેવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં વિદ્યાર્થીની શીતલ ગોહિલે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડે મહાનુભાવોનું સ્વાગત કરી શાળાની સિદ્ધિઓ અને પ્રગતિ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમ બાદ મંત્રી પરશોત્તમ સોલંકીએ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે બેઠક યોજી શિક્ષણની ગુણવત્તા અને શાળાના વિકાસ અંગે ચર્ચા કરી હતી. અંતે મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી હરિત અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA