
મહેસાણા, 24 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના અર્બુદાનગર (મેઉ), ધાંધુસણ અને પઢારિયા ખાતે જિલ્લા પ્રભારી સચિવ જે. રંજીથ કુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. આ પ્રસંગે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રભારી સચિવએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ જીવનની સાચી મિલકત છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ તથા શિક્ષકોનો સહિયારો પ્રયાસ જરૂરી છે. તેમણે મોબાઇલના દુરુપયોગથી બાળકોને દૂર રાખવા અને નિયમિત શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રભારી સચિવએ પઢારિયા ગામમાં અભ્યાસ અધવચ્ચે છોડનારા બે વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમના વાલીઓ સાથે મુલાકાત કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના વિકાસ અને શૈક્ષણિક ગુણવત્તા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR