
બોટાદ, 24 જૂન (હિ.સ.) : આજે બોટાદ જિલ્લા ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા ખાનગી વાહનોમાં મુસાફરોની સંખ્યાની ચકાસણી માટે વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતા આ અભિયાન દરમિયાન જિલ્લાના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અધિકારીઓએ ખાનગી વાહનોમાં મંજૂર ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા છે કે નહીં તેની ખાસ તપાસ કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવાથી અકસ્માત સમયે જાનહાનિનું જોખમ વધી જાય છે તેમજ વાહનચાલક માટે વાહન પરનું નિયંત્રણ જાળવવું મુશ્કેલ બની શકે છે.
ડ્રાઇવ દરમિયાન માત્ર તપાસ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ વાહનચાલકો અને મુસાફરોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. સીટ બેલ્ટનો ઉપયોગ, વાહનની મંજૂર ક્ષમતાનું પાલન, ટ્રાફિક નિયમોનું અનુસરણ અને સુરક્ષિત મુસાફરીના મહત્વ અંગે લોકોને સમજ આપવામાં આવી હતી.
ARTOના અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોને ઘટાડવા અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે આવા વિશેષ ચેકિંગ અભિયાન સમયાંતરે હાથ ધરવામાં આવતા રહેશે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના તેમજ અન્ય લોકોના જીવનની સુરક્ષા માટે વાહનોમાં નક્કી કરેલી ક્ષમતા કરતાં વધુ મુસાફરો ન બેસાડે અને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે.
આ પ્રકારની કાર્યવાહીથી માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ વધશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA