શેત્રુંજી ડેમનું પાણી છોડવા મુદ્દે ભરતસિંહના તંત્ર સામે આકરા સવાલ, આંદોલનની ચીમકી
ભાવનગર, 24 જૂન (હિ.સ.) : શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાની માંગ સાથે ખેડૂત આગેવાન ભરતસિંહએ રાજ્ય સરકાર તથા શેત્રુંજી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તા. 17 જૂન, 2026ના રોજ લેખિત ર
ખેડૂત આગેવાન ભરતસિંહ


ભાવનગર, 24 જૂન (હિ.સ.) : શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાની માંગ સાથે ખેડૂત આગેવાન ભરતસિંહએ રાજ્ય સરકાર તથા શેત્રુંજી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તા. 17 જૂન, 2026ના રોજ લેખિત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.ભરતસિંહે જણાવ્યું કે શેત્રુંજી ડેમના ઈતિહાસમાં અનેક વખત સંકટની પરિસ્થિતિ દરમિયાન ખેડૂતોના હિતમાં પાણી છોડવામાં આવ્યું છે. વર્ષ 1984થી 2000 દરમિયાન તત્કાલીન આગેવાનો અને જનપ્રતિનિધિઓએ ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખી સ્થળ પર જ નિર્ણય લઈને સિંચાઈ માટે મફતમાં પાણી છોડાવ્યું હતું. ઉપરાંત વર્ષ 2015, 2018 અને 2024 દરમિયાન પણ વિવિધ પરિસ્થિતિઓમાં ખેડૂતોને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે હાલ ખેડૂતો વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે છતાં ભાવનગર જિલ્લાના કોઈપણ ધારાસભ્ય કે ચૂંટાયેલા પ્રતિનિધિ ખેડૂતોના પ્રશ્ને ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા નથી. ડેમ ઓવરફ્લો થાય ત્યારે અને કેનાલોમાં પાણી છોડાય ત્યારે ફોટા પડાવવા પહોંચતા નેતાઓ આજે ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે મૌન ધારણ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું.

ભરતસિંહે શેત્રુંજી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેન્દ્રભાઈ તરસરિયા પર પણ નિશાન સાધતા કહ્યું કે માનવતાના ધોરણે ખેડૂતોને તાત્કાલિક રાહતરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવો જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો પાણી છોડવાના નિર્ણયમાં વધુ વિલંબ થશે તો ભાવનગર સ્થિત શેત્રુંજી સિંચાઈ વિભાગની કચેરી સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિર્ણય લેવા માટે તેમણે સરકાર અને સંબંધિત વિભાગને અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande