
જામનગર, 24 જૂન (હિ.સ.) : જામનગરમાં મોહરમના પવિત્ર અવસરે ખોજા શિયા ઇશ્ના અશરી જમાત દ્વારા આ વર્ષે પણ 'આગ પર માતમ' મનાવવામાં આવ્યો હતો. 8મી મોહરમની રાત્રે શ્રદ્ધાળુઓ કરબલાના શહીદોની યાદમાં ધખધખતા અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા. આ ધાર્મિક વિધિ છેલ્લા 50 થી 60 વર્ષથી જામનગરમાં યોજાય છે. હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે સમાજના આગેવાનો, યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. 'યા હુસૈન' અને 'હુસૈનિયા ઝિંદાબાદ'ના નારાઓથી વાતાવરણ ગમગીન બન્યું હતું. આ દ્રશ્યો જોવા માટે જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સમાજના અગ્રણી અલી રઝા કામણીએ આ પરંપરા વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ વિધિ ઇમામ હુસૈન અને તેમના પરિવાર દ્વારા 1400 વર્ષ પહેલાં કરબલાના મેદાનમાં આપવામાં આવેલા બલિદાનની યાદમાં કરવામાં આવે છે. ઇમામ હુસૈને ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને પોતાના છ મહિનાના પુત્ર અલી અસ્ગર સહિત પરિવાર સાથે ધર્મ માટે મહાન કુર્બાની આપી હતી.
આ ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થયો હતો. ખોજા શિયા સમાજ માટે મોહરમ માસ દરમિયાન આ પરંપરાનું વિશેષ ધાર્મિક અને ભાવનાત્મક મહત્વ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt