ખાંભાના ચતુરી ગામે સિંહણના હુમલામાં 6 વર્ષના બાળકનું કરુણ મોત, હુમલાખોર સિંહણ સહિત 5 સિંહોને વનવિભાગે પાંજરે પૂર્યા
અમરેલી,25 જૂન (હિ.સ.) અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહણના જીવલેણ હુમલામાં 6 વર્ષના બાળકનું કરુણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ બાળક પોતાના પિતાની આંગળી પકડીને ગામના વિસ્તારમાં જઈ રહ્યો
ખાંભાના ચતુરી ગામે સિંહણના હુમલામાં 6 વર્ષના બાળકનું કરુણ મોત, હુમલાખોર સિંહણ સહિત 5 સિંહોને વનવિભાગે પાંજરે પૂર્યા


અમરેલી,25 જૂન (હિ.સ.)

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહણના જીવલેણ હુમલામાં 6 વર્ષના બાળકનું કરુણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ બાળક પોતાના પિતાની આંગળી પકડીને ગામના વિસ્તારમાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક સિંહણે હુમલો કર્યો હતો. હુમલા બાદ સિંહણ બાળકને મોઢામાં પકડીને નજીકના વિસ્તારમાં લઈ ભાગી હતી. થોડા જ સમયમાં અન્ય એક સિંહ પણ ત્યાં પહોંચી જતા બંનેએ બાળક પર હુમલો કર્યો હતો.

બાળકની ચીસો સાંભળીને પરિવારજનો તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના હોબાળા અને હાકલાથી સિંહ અને સિંહણ બાળકને મૂકીને જંગલ તરફ ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને વનવિભાગે રાતભર રેસ્ક્યૂ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી કાર્યવાહી બાદ હુમલાખોર સિંહણ સહિત કુલ પાંચ સિંહોને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. વનવિભાગ દ્વારા આ સિંહોના વર્તન અને હુમલાના કારણોની તપાસ કરવામાં આવશે તેમજ જરૂરી વન્યજીવ નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

છેલ્લા 15 દિવસ દરમિયાન વિસ્તારમાં સિંહોના હુમલાની આ ચોથી ઘટના બનતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે ખેતરોમાં જવા તેમજ ગામની બહાર અવરજવર કરવા લોકો ડરી રહ્યા છે. ગ્રામજનોએ વનવિભાગ સમક્ષ સિંહોની સતત વધતી અવરજવર અટકાવવા, પેટ્રોલિંગ વધારવા અને માનવજીવનની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. વનવિભાગે પણ સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવાની અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande