

બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ 25 હજારની લાંચ માંગ્યાનો આરોપ
જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
ભરૂચ 25 જૂન (હિ.સ.)
અંકલેશ્વર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાલિયાથી અંકલેશ્વર જવાના રોડ પર આવેલા 'પાટીદાર રજવાડી' સ્ટોલ પાસે ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં એક ભ્રષ્ટ પોલીસ કર્મચારીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમાર લાંચ લેતા ઝડપાયો . ફરિયાદીએ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ 25 હજારની લાંચ માંગ્યાનો આરોપ લગાવી એસીબીમાં ફરિયાદ કરી હતી.ફરિયાદી પાસેથી 25 હજાર સ્વીકારતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયો હતો . એસીબીએ અંકલેશ્વરના પાટીદાર રજવાડી ટી સ્ટોલ નજીક ટ્રેપ ગોઠવી હતી.
એક સાયબર ક્રાઈમનો મામલો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો. આ કેસમાં મદદ કરવાના બદલામાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સુનીલ પરમાર નામના પોલીસ કર્મચારીએ ફરિયાદી પાસે 25 હજારની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબી ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આજે વાલિયાથી અંકલેશ્વર જવાના રોડ પર આવેલા 'પાટીદાર રજવાડી' સ્ટોલ પાસે આરોપી સુનીલ પરમાર ફરિયાદી પાસેથી 25 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ અગાઉથી ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.એસીબી દ્વારા આરોપી પોલીસ કર્મચારીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશન બાદ ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ