મેટ્રોપોલિટન કંપની કેસમાં ઝઘડિયા પોલીસે ચૈતર વસાવા સહિત 4 આગેવાનોને ફટકારી નોટિસ
- આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ હાજર થવા નોટીસ ઉપર નોટીસ - ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે ચૈતર વસાવા ઉપર ભરૂચ, 25 જૂન (હિ.સ.) : નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા
મેટ્રોપોલિટન કંપની કેસમાં ઝઘડિયા પોલીસે ચૈતર વસાવા સહિત 4 આગેવાનોને ફટકારી નોટિસ


- આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ હાજર થવા નોટીસ ઉપર નોટીસ

- ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે ચૈતર વસાવા ઉપર

ભરૂચ, 25 જૂન (હિ.સ.) : નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, સ્થાનિક મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપની સાથે જોડાયેલા એક વિવાદિત મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 'આપ'ના કુલ 4 સ્થાનિક આગેવાનોને સત્તાવાર નોટિસ પાઠવી હાજર થવા આદેશ કર્યો છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં કાર્યરત મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીના સંચાલકો અને સ્થાનિક સ્તરે કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા આશરે 5 થી વધુ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે અને અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ પ્રશ્નોને લઈને વિવાદ ચાલતો હતો. આ બાબતમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને ધારાસભ્ય દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. કંપની પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે તપાસના ભાગરૂપે આ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચૈતર વસાવા અગાઉ પણ વન વિભાગના કર્મચારીઓ સાથેની માથાકૂટ અને કથિત ખંડણી તેમજ ધમકીના કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. વચ્ચે જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ સતત સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ વનકર્મી વાળા કેસમાં 7 વર્ષની સજા અને ત્યારબાદ ભરૂચ કોર્ટનું તેડું અને હવે આ નવા કેસમાં પોલીસ નોટિસ મળતા તેમની કાયદાકીય મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે.

વિગત સામે આવતા જ ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ પોલીસ આ મામલે કાયદેસરની પ્રક્રિયા આગળ ધપાવી રહી હોવાનું કહી રહી છે. આગામી દિવસોમાં ચૈતર વસાવા અને અન્ય આગેવાનો પોલીસ સમક્ષ હાજર થઈને શું ખુલાસો કરે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande