જામનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ : નદીઓની સફાઈ કાગળ પર હોવાનો આક્ષેપ
જામનગર, 25 જૂન (હિ.સ.) : જામનગરમાં ચોમાસા પૂર્વેની કામગીરીને લઈને રાજકારણ ગરમાયું છે. જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે રંગમતી અને નાગમતી નદીની તાત્કાલિક સફાઈની માંગ સાથે સ્ટેન
કોંગ્રેસ નો વિરોધ


જામનગર, 25 જૂન (હિ.સ.) : જામનગરમાં ચોમાસા પૂર્વેની કામગીરીને લઈને રાજકારણ ગરમાયું છે. જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે રંગમતી અને નાગમતી નદીની તાત્કાલિક સફાઈની માંગ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કોંગ્રેસે આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી મોટાભાગે કાગળ પર જ રહી ગઈ છે. શહેરની મુખ્ય નદીઓ અને કેનાલોમાં હજુ પણ ભારે ગંદકી, પ્લાસ્ટિકનો કચરો અને કાંપના ઢગલા જોવા મળે છે. જો સમયસર સફાઈ નહીં થાય તો ચોમાસામાં શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે માંગ કરી હતી કે મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ, જવાબદાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોએ શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ સાથે મળીને રંગમતી, નાગમતી નદીઓ અને અન્ય કેનાલોની રૂબરૂ સ્થળ મુલાકાત લેવી જોઈએ. આનાથી તંત્રની વાસ્તવિકતા સામે આવી શકે.

કોંગ્રેસના આ વિરોધ અને આક્ષેપો સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ મનપાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા છે. મોનાણીએ સ્પષ્ટતા કરી કે શહેરમાં પ્રિ-મોન્સૂનની 80 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની કામગીરી પણ વહેલી તકે પૂરી કરાશે.

તેમણે ઉમેર્યું હતું કે મનપાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સતત સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન શહેરમાં ક્યાંય પણ વરસાદી પાણી ન ભરાય અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને તમામ પ્રયાસો કરી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande