
પોરબંદર, 25 જૂન (હિ.સ.) પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સભ્યપદને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. આ મામલે કેતન અશ્વિનભાઈ ભરાણીયાએ મદદનીશ ચેરિટી કમિશનર, પોરબંદર સમક્ષ લેખિત અરજી રજૂ કરી સભ્યપદ અંગે સ્પષ્ટતા કરવા તથા જરૂરી નિર્ણય લેવા માંગ કરી છે.અરજીમાં જણાવ્યા મુજબ વર્ષ 2024-25ની ચૂંટણી દરમિયાન સભ્યપદને લઈને વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ ચેરિટી કમિશનર દ્વારા ચૂંટણી યોજવા તેમજ ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રસ્ટના વહીવટ માટે વ્યવસ્થા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જ્યાંથી પણ ચેરિટી કમિશનરના આદેશને યથાવત રાખવામાં આવ્યો હોવાનું અરજીમાં જણાવાયું છે.અરજદાસ્નો આક્ષેપ છે કે ટ્રસ્ટના બંધારણ મુજબ જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યા વગર નલીન કાનાણીને સભ્ય તરીકે દર્શાવવામાં આવ્યા છે. અગાઉ કારોબારી સમિતિ તેમજ સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવો અને સભ્યપદ રજિસ્ટરની વિગતોને આધારે તેમના સભ્યપદ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર વહીવટી કામગીરી માટે જ વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી કોઈ વ્યક્તિને સભ્ય તરીકે ગણવાનો પ્રશ્ન ઊભો થતો નથી. અરજદારે મદદનીશ ચેરિટી કમિશનરને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી નલીનભાઈ કાનાણીના સભ્યપદ અંગે સ્પષ્ટ નિર્ણય લેવા તેમજ ટ્રસ્ટના હિતમાં જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. હાલ આ અરજીના અનુસંધાને મદદનીશ ચેરિટી કમિશનર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સંબંધિત પક્ષોની નજર મંડાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya