
છોટાઉદેપુર, 25 જૂન (હિ.સ.) : કવાંટ ખાતે અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માટે તંત્ર દ્વારા છેલ્લા 8 મહિનાથી મંજૂરી આપી દેવામાં આવી છે. આમ છતાં, આજદિન સુધી નવી હોસ્પિટલનું બાંધકામ કે યોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં ન આવતા સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જૂના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ને તોડી પાડવાની કામગીરી ચાલુ હોવાથી, હોસ્પિટલનો વહીવટ અને સારવાર અત્યંત સાંકડી અને નાની-નાની રૂમોમાં ચલાવવાની ફરજ પડી રહી છે.
સૌથી ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ પ્રસુતિ વિભાગમાં જોવા મળી રહી છે. અત્યંત નાની જગ્યામાં કાર્યરત આ વોર્ડમાં માત્ર 6 બેડની જ વ્યવસ્થા છે. આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા કવાંટ તાલુકામાં જો એકસાથે વધુ પ્રસુતિના કેસો આવે, તો ગર્ભવતી મહિલાઓને ભારે જોખમ વચ્ચે પહેલા માળ પર દાદર ચઢાવીને લઈ જવી પડે છે. કટોકટીના સમયે સગર્ભાઓને આ રીતે સીડી ચઢાવવી પડતી હોવાથી ત્યાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફમાં પણ સતત ગભરામણ અને કોઈ મોટી દુર્ઘટના કે અણબનાવ ન બની જાય તેનો ભય સતાવી રહ્યો છે.હાલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની તમામ આરોગ્ય સેવાઓ અસુવિધાજનક અને નાની રૂમોમાં ગૂંગળામણભર્યા વાતાવરણમાં ચાલી રહી છે, જેના કારણે ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કાર્ય સત્વરે શરૂ કરવામાં આવે અને વિસ્તારના લોકોને સુગમ તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ