

પાટણ, 25 જૂન (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી વિદ્યાલય ખાતે ગુરુવારે પ્રવેશોત્સવ યોજાયો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વર્ષાબેન પટેલની હાજરીમાં આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કુલ 125 બાળકોને પ્રવેશ અપાયો હતો. શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટે ગામની ત્રણેય આંગણવાડીઓ માટે વોટર ડિસ્પેન્સર આપવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં 26, બાલવાટિકામાં 26, ધોરણ-1માં 43 અને ધોરણ-9માં 56 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા બાળકોના હિત માટે ચીજવસ્તુઓ તેમજ રોકડ સહાય પણ આપવામાં આવી હતી.
ડો. વર્ષાબેન પટેલે બાળકોને જંક ફૂડથી દૂર રહી પૌષ્ટિક ઘરનો ખોરાક લેવા, સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો કચરો ડસ્ટબિનમાં નાખવા અપીલ કરી હતી. બાદમાં તેમણે વાલીઓ અને શાળા સંચાલકો સાથે શિક્ષણની ગુણવત્તા તથા સરકારી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલે દાતાઓના યોગદાનની પ્રશંસા કરી હતી. શાળાના વિકાસ માટે સરકારી ગ્રાન્ટ, નવા બ્લોક અને મુખ્ય ગેટની માંગ પણ કરવામાં આવી હતી. પ્રસંગે અનેક મહાનુભાવો, ગ્રામજનો, શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ