
પાટણ, 25 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જમણપુર ગામના ખેડૂત વનરાજસિંહ મફાજી વાઘેલા સાથે લંડન વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને રૂ. 32.35 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપી પ્રવિણસિંહ ઉર્ફે લાલો સોલંકી અને તેની પત્ની અજુબા સોલંકીએ વનરાજસિંહ અને તેમની પત્નીને લંડનમાં નોકરી અપાવવાનું આશ્વાસન આપી વિઝા માટે રૂ. 32.35 લાખની માંગણી કરી હતી. જીતેન્દ્રસિંહ ચાવડાએ પણ પૈસાની જવાબદારી લેવાની ખાતરી આપી હતી.
આરોપીઓના કહેવા મુજબ વનરાજસિંહે હારીજ અને મહેસાણાની આંગડિયા પેઢી મારફતે અમદાવાદ ખાતે ટુકડે-ટુકડે કુલ રૂ. 32.35 લાખ મોકલી આપ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી વિઝા મળ્યો નહોતો. વારંવાર પૂછપરછ છતાં આરોપીઓ માત્ર વાયદા કરતા રહ્યા. અંતે પ્રવિણસિંહે વોટ્સએપ કોલ કરીને વિઝા કે રૂપિયા પરત નહીં મળે અને થાય તે કરી લેવા જેવી ધમકી આપી હતી. પોતે છેતરાયા હોવાની જાણ થતાં વનરાજસિંહે પ્રવિણસિંહ સોલંકી, અજુબા સોલંકી અને જીતેન્દ્રસિંહ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે BNSSની કલમ 318(2), 316(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ