
સુરત, 25 જૂન (હિ.સ.) સુરતની સચીન GIDC પોલીસે લાંબા સમયથી ફરાર રહેલા અને વાહન ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી સચીન ઉર્ફે નેહાલસિંગ છેલ્લા સાડા ચાર વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. આરોપી મધ્યપ્રદેશની ચૌગડ ગેંગ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો.
પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી વર્ષ 2022 દરમિયાન સચીન GIDC અને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહન ચોરીના કુલ 10 ગુનાઓમાં સંડોવાયેલો હતો. લાંબા સમયથી વોન્ટેડ રહેલા આરોપીની ધરપકડ થતાં આ તમામ કેસોના ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસ દ્વારા કાર્યવાહીને મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે. હાલ આરોપીના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન ગેંગના અન્ય સભ્યો, ચોરી થયેલા અન્ય વાહનો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે