
ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : ગુજરાત રાજ્યની વહીવટી સેવાના કુલ 18 અધિકારીઓને ભારતીય વહીવટી સેવામાં બઢતી આપવાનો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અને તાલીમ વિભાગ દ્વારા 25 જૂન 2026ના રોજ આ અંગે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
નોટિફિકેશન મુજબ વર્ષ 2025 દરમિયાન સર્જાયેલી ખાલી જગ્યાઓ સામે તૈયાર કરાયેલી સિલેક્ટ લિસ્ટ-2025માંથી 17 અધિકારીઓને આઈએએસમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, અમદાવાદ બેન્ચના ટ્રિબ્યુનલના આદેશના પાલનરૂપે સિલેક્ટ લિસ્ટ-2024 માંથી વધુ એક અધિકારીને પણ આઈએએસ કેડરમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના હુકમ અનુસાર તમામ અધિકારીઓને હાલ પ્રોબેશન પર આઈએએસ કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દરખાસ્ત મોકલવા સૂચના આપવામાં આવી છે.
ગેઝેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓના અંતિમ ચુકાદાને આધીન રહેશે. એટલે કે, સંબંધિત કેસોના પરિણામ બાદ જરૂરી હોય તો આગળની કાર્યવાહી થઈ શકે છે.
રાજ્ય વહીવટી સેવામાં લાંબા સમયથી કામગીરી બજાવતા અધિકારીઓને આઈએએસમાં બઢતી મળતા ગુજરાતના વહીવટી તંત્રને અનુભવી અધિકારીઓનો વધુ વ્યાપક ઉપયોગ મળશે.
આ અધિકારીઓ હવે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચસ્તરીય વહીવટી પદો પર કામગીરી માટે પાત્ર બનશે.
ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની અછતને કારણે હાલમાં અનેક મહત્વની વહીવટી પોસ્ટો વધારાના ચાર્જથી ચાલે છે. વહીવટી વર્તુળોના અંદાજ મુજબ જિલ્લા, કોર્પોરેશન, વિકાસ સત્તામંડળો અને વિભાગીય કચેરીઓ સહિત આશરે 15 થી 25 જેટલી જગ્યાઓ પર નિયમિત આઈએએસના બદલે વધારાનો ચાર્જ અપાયો છે. હવે રાજ્ય વહીવટી સેવાના 18 અધિકારીઓને આઈએએસ તરીકે બઢતી મળતાં આવી કેટલીક જગ્યાઓ પર નિયમિત નિમણૂકનો માર્ગ મોકળો બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ