
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના અંતર્ગત ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોયના માર્ગદર્શન હેઠળ આગામી તા.૨૮ થી ૩૦ જૂન ૨૦૨૬ સુધી પોલીયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં ૫૩૫ બુથ, ૧૦૭૦ ટીમ, ૨૧૩૪ ટીમ સભ્યો અને ૧૦૮ સુપરવાઈઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૧,૩૩,૬૮૮ કરતા વધુ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવનાર છે જે અંતર્ગત પ્રથમ દિવસે બુથ ઉપર પોલીયોની રસીના બે ટીપાં પીવડાવામાં આવશે અને ત્યારબાદ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને આરોગ્ય કર્મચારીની ટીમના સભ્યો દ્વારા ઘરે ઘરે ફરીને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.
આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના વિવિધ બુથ કેન્દ્રો પર રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહીને પોલીયો નાબુદી અભિયાન મિશનને સફળ બનાવવા બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવીને બુથની શરૂઆત કરાવશે.
આ કાર્યક્રમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવા તથા કોઈ બાળક બાકી રહી ન જાય તે માટે ગીર સોમનાથ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ