
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા અને ભારતીય રેડ ક્રોસ સોસાયટી, વેરાવળના સહયોગથી વેરાવળ આદિત્ય બિરલા હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં હોસ્પિટલના તબીબો અને સ્ટાફ, આદિત્ય બિરલા સ્કૂલના શિક્ષકો તેમજ રેયોન કંપનીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કેમ્પ દરમિયાન આરોગ્ય તપાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લોકોએ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ લાવવા માટે રક્તદાન શપથવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સૌએ નિયમિતપણે રક્તદાન કરવાની, રક્તદાન અંગેની ગેરસમજો દૂર કરીને અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાની, જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની તેમજ માનવતાના આ પવિત્ર કાર્યમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ રક્તદાન કેમ્પમાં અંદાજે ૧૦૦ જેટલા સ્વૈચ્છિક રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને અંદાજે ૧૦૦ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ એકત્રિત રક્ત ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. આ કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોય, જિલ્લા ક્ષય અધિકારી ડૉ.શીતલ રામ, આદિત્ય બિરલા હોસ્પિટલના ડો.રાજુ કિષ્નાણી અને વારિન્ડર ગોવર ડોક્ટરશ્રીઓ, તબીબી સ્ટાફ, ભારતીય રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ