
પાટણ, 25 જૂન (હિ.સ.) : ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વર્ષ 2026ના પ્રારંભે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાલવાટિકા, ધોરણ-1 તેમજ અન્ય વર્ગોના કુલ 99 નવા વિદ્યાર્થીઓનું વેદિક મંત્રોચ્ચાર, સરસ્વતી પૂજન અને કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મનોજ પટેલ, રોહિત પટેલ, નગરસેવક જયેશ સોલંકી, વિનોદ પટેલ, વર્ષીસ પટેલ અને માનવ સેવા ટ્રસ્ટના દીપક મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા નવા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પાણીની બોટલ, નોટબુક અને અભ્યાસ સામગ્રી આપવામાં આવી હતી. જ્યારે દાતા નરેન્દ્ર પટેલ (બાબા ભાઈ) દ્વારા ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધોરણ 2થી 8ના નવા વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કૂલ બેગ અને ચોપડાઓ પણ અપાયા હતા.
માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપક મકવાણાએ અનાથ અને વિકલાંગ વિદ્યાર્થીઓને ચોપડાની સહાય આપવાની જાહેરાત કરી હતી. પ્રવેશોત્સવ નિમિત્તે શાળાના તમામ 450 વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવ-ખમણી અને સુખડી પીરસવામાં આવી હતી. વર્ષીસ પટેલે તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ