
સુરત, 25 જૂન (હિ.સ.)-વોર્ડ નં. ૧ના છાપરા ભાઠા ગામ સ્થિત વીર મેઘમાયા તથા નગીનદાસ નારણદાસ પારેખ પ્રાથમિક શાળા ખાતે બુધવારે સવારે 10 વાગ્યે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મુકેશભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમણે બાળ શિક્ષણ અને કન્યા કેળવણીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે શાળા પરિવાર, વાલીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના સંદેશો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાને જણાવ્યું હતું કે તેમના માટે આ ગૌરવની વાત છે કે જે શાળામાં તેમણે પોતાના બાળપણમાં અભ્યાસ કર્યો હતો, તે જ શાળામાં આજે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો. તેમણે શાળાના શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો અને ખાસ કરીને બાળિકાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે