

છોટાઉદેપુર, 25 જૂન (હિ.સ.) : પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામ ખાતે આદિવાસી વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત હાટ બજારની પ્રથાને વધુ સક્રિય બનાવવા માટે આગામી રવિવાર, તા. ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે હાટ બજારનો શુભ પ્રારંભ કરવામાં આવનાર છે. આ અંગે હિરપરી જૂથ ગ્રામ પંચાયત કચેરી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રતનપુરના પટાંગણમાં યોજાનાર આ હાટ બજારનો મુખ્ય હેતુ સ્થાનિક ખેડૂતો, પશુપાલકો, કારીગરો તેમજ નાના વેપારીઓને તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક વ્યવસ્થિત મંચ પૂરું પાડવાનો છે. આદિવાસી વિસ્તારની પરંપરાગત બજાર પ્રણાલીને જાળવી રાખવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે આ પહેલ કરવામાં આવી હોવાનું ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે.
હાટ બજારમાં શાકભાજી, કૃષિ ઉત્પાદનો, ઘરવપરાશની વસ્તુઓ તેમજ સ્થાનિક હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ થવાની સંભાવના છે. બજાર શરૂ થવાથી આસપાસના ગામોના લોકો માટે ખરીદી-વેચાણની સુવિધા સરળ બનશે અને નાના વેપારીઓને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના અધિકારીઓ, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહેવાના છે. ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત વિભાગો તેમજ પોલીસ તંત્રને પણ જરૂરી જાણ કરવામાં આવી છે જેથી કાર્યક્રમ સુચારૂ રીતે સંપન્ન થઈ શકે.
સ્થાનિક ગ્રામજનોમાં હાટ બજારના પ્રારંભને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ બજાર વિસ્તારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ