
પાટણ, 25 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના 398 કરોડ રૂપિયાના ચકચારી સાયબર છેતરપિંડી કેસમાં આરોપી હર્ષદ ઠક્કરના એક દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે પાટણના ટી.બી. ત્રણ રસ્તા પાસે આવેલી તેની નવી સાઇટ પર પંચનામું પણ કર્યું હતું.
હારીજના મૂળ વતની અને હાલ પાટણમાં રહેતા હર્ષદ ઠક્કરને 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ હારીજની એક બેંકમાં બોગસ ખાતા ખોલાવી કરોડો રૂપિયાની છેતરપિંડીના નાણાંનો વ્યવહાર કર્યો હતો, જેનો ઉપયોગ દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં થતો હતો.
પ્રાથમિક તપાસ મુજબ આ કૌભાંડ સાથે દેશભરમાં અંદાજે 227 ફરિયાદો નોંધાઈ છે. પાટણ સાયબર ક્રાઈમ પોલીસ હવે અન્ય સંડોવાયેલા આરોપીઓ અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ