
જામનગર, 25 જૂન (હિ.સ.) : રાજ્યના નાગરિકોને છેવાડાના ગામડાં સુધી સર્વોત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર સતત કટિબદ્ધ છે, જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જામનગર તાલુકાના વસઈ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ તમામ તબીબી સંસાધનો, દવાઓનો જથ્થો અને ગ્રામજનોને અપાતી દૈનિક આરોગ્ય સેવાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબોરેટરી વિભાગ, દવા વિતરણ કેન્દ્ર, પુરુષ તથા મહિલા જનરલ વોર્ડ અને વેક્સિન રૂમ સહિતના વિવિધ વિભાગોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ત્યાં સારવાર લઈ રહેલા સ્થાનિક દર્દીઓ અને તેમના પરિજનો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક સંવાદ સાધીને કેન્દ્ર તરફથી મળતી મફત સારવાર-અને સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા.
ગ્રામ્ય સ્તરે સરકારી સંસ્થામાં ઉપલબ્ધ આવી ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા, સુદ્રઢ વ્યવસ્થાપન અને શ્રેષ્ઠતમ તબીબી સુવિધાઓ નિહાળીને મંત્રીએ હોસ્પિટલ પ્રશાસનની કામગીરીની સરાહના કરી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, સ્થાનિક અગ્રણીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમારસિંઘ, હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ વસઈ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt