
- એસઓજી ડીસીપી નકુમ અનઑફિશિયલ હાજર હોય તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય.
અમદાવાદ, 25 જૂન (હિ.સ.) : સુરતના નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રાજ્ય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત પોલીસ કમીશ્નર, એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ, પોલીસ અને એસ એમસીના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
હાઇકોર્ટે કહ્યું કે, જો એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. રાજ્ય સરકાર પણ જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે કેટલાક નિર્દેશો પક્ષકારોને આપીને સોમવારે વધુ સુનવણી રાખી છે.
અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં એસએમસી દ્વારા 150 થી વધુ મકાનો 30 મેના રોજ તોડી પાડવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ડિમોલિશન એસએમસીના દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો છો તેના જવાબમાં જણાવ્યું કે ડિમોલિશન સમયે ઘટના સ્થળે એસએમસીના અધિકારીઓ અને 20 થી 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. 01 જૂને અરજદારોએ એસએમસી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશને ત્યાં ડિમોલિશનનો કોઈ હુકમ કર્યો નથી. ખુલ્લી જગ્યામાં વર્ષ 1969માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદારના પૂર્વજો પણ રહેતા આવ્યા છે. અચાનક 30 મેના રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડિમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા? જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે ડિમોલિશન કરનાર એજન્સી એસએમસીની છે. ટોરેન્ટ પાવરે ડિમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો. ડિમોલિશન સ્થળે 07 જેટલા SMC ઓફિસર અને અન્ય કર્મચારી તેમજ 20 થી 25 જેટલા સુરત એસઓજી વિભાગના પોલીસ કર્મચારી અને ચોક બજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર હતા.
પાલિયા બિલ્ડરના આદેશ ઉપર શ્રી રામ એજન્સી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યાં આર્કિટેક્ટ રજનીકાંત ઉપસ્થિત હતા. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રહેવાસીઓને માત્ર 01 કલાકમાં ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોના પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડિમોલિશનના કાટમાળ નીચે દબાઈ ગયો હતો.
કોર્ટે પૂછ્યું હતું કે 30 મેના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું? જેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા એસએમસી કમિશનર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી તો તેઓએ કહ્યું કે એસએમસીનો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે તેમની ફરિયાદ લીધી નથી. 21 જૂને એસએમસી કમિશનર પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે ડિમોલિશન સમયે ત્યાં કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હતા.
કોર્ટે પૂછ્યું હતું કે જો ડિમોલિશન એસએમસીએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા? તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે? સુરત શહેર પોલીસ કમિશનરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં? કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા? અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા?
અરજદારે જણાવ્યું હતું કે ત્યાં સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ હાજર હતા. કોર્ટે પૂછ્યું હતું એક તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામેના આક્ષેપ ક્યાં છે? કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે!
'પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલિશન એસએમસીએ કર્યું કે કે બીજા કોઈ વ્યક્તિએ?'
કોર્ટે કહ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલિશન એસએમસીએ કર્યું કે કે બીજા કોઈ વ્યક્તિએ? જો એસઓજીના ડીસીપી ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. જો ઓફિશિયલ હાજર હોય તો ઉપસ્થિત રહેવાની જરૂર નથી. એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં. રાજ્ય પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં.
ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી નાસીર નગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા?
આ એક ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી તેઓએ નાસીર નગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા ? આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટી દ્વારા આ ડિમોલિશન મુદ્દે શું પગલાં લેવામાં આવ્યા છે ? સુરત મહાનગરપાલિકા અથવા તેમના અધિકારીઓ દ્વારા પણ જો કાયદો અનુસર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું હોય તો તેમની સીધી અને અમર્યાદિત જવાબદારી છે.
સુરત મહાનગરપાલિકાએ જેમના મકાન ડિમોલિશન કર્યા છે, તેમને રહેવા ઘર આપવું પડે. કોર્ટ પાસે તેનો પ્લાન પણ તૈયાર છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમની પાસે પાવર છે. ઓથોરિટી પાસેથી કોર્ટને ચોક્કસ જવાબ જોઈએ છે. 29 જૂનના, સોમવારના રોજ સવારે સૌથી પહેલા આ અરજી ઉપર સુનાવણી યોજાશે. જેમાં ટોરેન્ટ પાવરના વકીલ પણ ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ