જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક
- આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા ચર્ચા કરી. જામનગર, 25 જૂન (હિ.સ.) : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની ખ્યાતનામ ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન હોસ્પિટલની આરોગ્ય
જી.જી.હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રીની બેઠક


- આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા ચર્ચા કરી.

જામનગર, 25 જૂન (હિ.સ.) : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની ખ્યાતનામ ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન હોસ્પિટલની આરોગ્ય વિષયક સુવિધાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.વિજય પોપટ અને ડીન ડો.નંદીની દેસાઈ દ્વારા પ્રેસન્ટેશનના માધ્યમથી હોસ્પિટલની સમગ્રતયા કામગીરીનો ચિતાર રજૂ કરાયો હતો. જેમાં હોસ્પિટલનું મંજૂર મહેકમ, દૈનિક ઓ.પી.ડી., ઇન્ડોર દર્દીઓની સંખ્યા, પેરા મેડિકલ, નર્સિંગ તથા એડમીન સ્ટાફની વિગતો અને હોસ્પિટલની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથેની સંક્ષિપ્ત માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ સાથે જ ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને વિવિધ વિભાગોની કાર્યપ્રણાલી વિશે પણ વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. મંત્રીએ વિવિધ વિભાગના વડાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વહીવટી અને માળખાકીય માંગણીઓને ખૂબ જ હકારાત્મક રીતે સાંભળીને તેને સત્વરે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

બેઠકમાં તબીબો અને સ્ટાફને પ્રોત્સાહિત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ડોક્ટરો ઋષિતુલ્ય અને વંદનીય છે. તબીબી ક્ષેત્ર એ માનવતા અને શ્રેષ્ઠ કર્મ કરવાનું ઉત્તમ માધ્યમ છે. કોરોના સહિતની કોઈપણ આફત વેળાએ સરકારી હોસ્પિટલોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને લોકોના વિશ્વાસ પર ખરી ઉતરી છે. ત્યારે હોસ્પિટલના પરિસરને શ્રેષ્ઠતમ અને દર્દી-સ્નેહી બનાવવા સૌ સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરે તે ઇચ્છનીય છે. આ સાથે જ તેમણે હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા જાળવવા અને એક મજબૂત 'ટીમ' બનીને સમાજના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે ખાસ આહવાન કર્યું હતું.

આ બેઠકમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, અગ્રણી બીનાબેન કોઠારી, મેડિકલ કોલેજના ડિન ડો. નંદીની દેસાઈ તેમજ તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ સહિત વિવિધ વિભાગોના વડાઓ તથા સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande