
કચ્છ, 25 જૂન (હિ.સ.) :કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના ગુનાઓમાં સંડોવાયેલા અને કાયદાની પકડથી દૂર ભાગી રહેલા આરોપીઓ સામે પોલીસ દ્વારા સતત સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે આજે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરતાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી છે.
આ દરમિયાન આજે એસઓજીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આડેસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી કિર્તીપુરી મહેન્દ્રપુરી ગૌસ્વામી ભુજ શહેરમાં હાજર છે. માહિતી મળતા જ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ભુજ કોર્ટ નજીકથી તેને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના વિરુદ્ધ નોંધાયેલા એનડીપીએસ ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને અટકમાં લેવામાં આવ્યો હતો. આગળની વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી માટે તેને ભુજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સફળ ઓપરેશનમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર અને એમ.આર. સકોરિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રઘુવિરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, વનરાજસિંહ સોઢા તેમજ એલઆર પોલીસ કોન્સ્ટેબલ રવીન્દ્રકુમાર રાઠોડ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગુનો કરીને કાયદાની પકડથી દૂર ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીઓ માટે હવે બચી જવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નશાના કારોબાર સામે કડક વલણ અપનાવવાના પોલીસના પ્રયાસો સતત યથાવત્ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar