
કચ્છ, 25 જૂન (હિ.સ.) માથાભારે તત્વો સામે પોલીસનો કડક પ્રહાર: મિલ્કત અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને કચ્છ સહિત આસપાસના જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા છે.
ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારોમાં મિલ્કત તથા શરીર સંબંધિત ગંભીર ગુનાઓને અંજામ આપતા ત્રણ કુખ્યાત આરોપીઓ સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્રણ માથાભારે ઇસમોને કચ્છ જિલ્લાની હદ ઉપરાંત તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરાવવાની કાર્યવાહી સફળતાપૂર્વક અમલમાં મૂકી છે.
જિલ્લામાં ગુનાખોરી સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને તેમની ટીમે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત સંડોવાયેલા ઇસમો સામે તડીપારની દરખાસ્ત તૈયાર કરી હતી.
પોલીસ દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને તેમના વિરૂદ્ધ નોંધાયેલા વિવિધ ગુનાઓના આધારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે રજૂ થયેલા પુરાવા અને ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને કચ્છ જિલ્લાની હદ તેમજ તેને અડીને આવેલા જિલ્લાઓની હદમાંથી હદપાર કરવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લઈ હુકમની અમલવારી કરી તડીપાર કર્યા હતા.
તડીપાર કરાયેલા આરોપીઓમાં કિડાણા વિસ્તારના સો ચોરસવાર ખાતે રહેતો 30 વર્ષીય ઈમરાન ઉર્ફે ઇમલો ઇબ્રાહિમ કટીયા, ખારીરોહર પી૨ કોલોનીનો 23 વર્ષીય રફિક ઉર્ફે ઉંદર કાસમ નિગામણા તથા કિડાણા વિસ્તારનો જ 23 વર્ષીય અબ્દુલ મુસા ચાવડાનો સમાવેશ થાય છે.
પોલીસ રેકોર્ડ મુજબ આ ત્રણેય આરોપીઓ સામે ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, મારામારી, ધાકધમકી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા મિલ્કત અને શરીર સંબંધિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમની સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2019થી 2025 દરમિયાન ભારતીય દંડ સંહિતા (IPC), ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયા હતા. તેમાં IPC કલમ 457, 380, 379, 447, 499, 323, 324, 504, 506(2), 114 સહિતની કલમો તેમજ BNS કલમ 303(2), 305, 305(એ), 331(2), 331(3), 331(4), 317(2), 317(4), 109(1), 115(2), 351(2), 111(3), 111(4) અને અન્ય ગંભીર જોગવાઈઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સિવાય આદિપુર પોલીસ મથકે પણ અબ્દુલ મુસા ચાવડા સામે વર્ષ 2025 અને 2026 દરમિયાન BNS કલમ 303(2), 305(એ) અને 331(3) હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આવા ગુનાહિત તત્વો સામે કડક વલણ અપનાવીને જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. તડીપારની આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં કાયદાનો ભય ઉભો થશે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar