
કચ્છ, 25 જૂન (હિ.સ.) : અંજાર તાલુકાના સતાપર ગામમાં ગુપ્ત રીતે ચલાવવામાં આવતી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભાંડો ફોડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે દરોડા દરમિયાન મોટી માત્રામાં બનાવટી દારૂ, કેમિકલ્સ, મશીનો તેમજ પેકિંગ માટે વપરાતી સામગ્રી સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બે શખ્સો હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરફેર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સતાપર ગામ નજીક એક વાડામાં ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ તૈયાર કરી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે આયોજનબદ્ધ કાર્યવાહી હાથ ધરી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી બે વ્યક્તિઓ મળી આવ્યા હતા અને તપાસ દરમિયાન સમગ્ર ઓરડીમાં દારૂ બનાવવાની અને પેકિંગ કરવાની વ્યવસ્થા ઉભી કરાયેલી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણીતા બ્રાન્ડના નામે નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી મોટી સંખ્યામાં ભરેલી અને ખાલી બોટલો, ઢાંકણાં, હોલોગ્રામ સ્ટીકર, બ્રાન્ડેડ લેબલ્સ, ઇલેક્ટ્રિક ફિલિંગ મશીન, સીલિંગ મશીનો તથા વિવિધ પ્રકારના કેમિકલ્સ મળી આવ્યા હતા.
પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીઓને સ્થળ પર બોલાવી તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન મળી આવેલા પ્રવાહી અને કેમિકલ્સનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાની પુષ્ટિ થઈ હતી. સ્થળ પરથી અંદાજે 600 લીટર પારદર્શક કેમિકલ, 350 લીટર દારૂ જેવું પ્રવાહી, 300 લીટર તૈયાર ડુપ્લીકેટ દારૂ તથા દારૂને રંગ અને સ્વાદ આપવા માટે વપરાતા એસેન્સ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હજારોની સંખ્યામાં પ્લાસ્ટિકની બોટલો, પેકિંગ માટેના બોક્સ, સ્ટીકર, હોલોગ્રામ અને ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા સાધનો પણ કબ્જે લેવામાં આવ્યા હતા. સમગ્ર દરોડા દરમિયાન કુલ રૂ. 8.79 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ કેસમાં સતાપરના સુનિલ શામજી માતા અને રમજાન હમીરકાસમ જુણેજાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અંતરજાળ ગામના કિશોર નાગજીભાઈ વ્યાસ અને આદિપુરના રાજેશ ઉર્ફે રાજુ રઘુભાઈ પ્રજાપતિ પોલીસ પહોંચે તે પહેલાં જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
અંજાર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઓપરેશન લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો છે અને જિલ્લામાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ માટે પોલીસની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar