પાલીતાણાના મોખડકા ગામે ઘરેલું હિંસા અધિનિયમ અંગે કાયદાકીય સેમિનાર યોજાયો
ભાવનગર, 25 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાલીતાણા તાલુકાના મોખડકા ગામ સ્થિત ભાયાણીની વાડી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગે કાયદાકીય જાગૃતિ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને કિશોરીઓ
પાલીતાણાના મોખડકા ગામે ઘરેલું હિંસા અધિનિયમ અંગે કાયદાકીય સેમિનાર યોજાયો


ભાવનગર, 25 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાલીતાણા તાલુકાના મોખડકા ગામ સ્થિત ભાયાણીની વાડી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગે કાયદાકીય જાગૃતિ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને કિશોરીઓમાં કાનૂની જાગૃતિ વધે તેમજ તેઓ પોતાના હકો અને સુરક્ષા સંબંધિત કાયદાઓથી માહિતગાર બને તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હેતલબેન દવે દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-2005ની વિવિધ જોગવાઈઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ઘરેલું હિંસાના શારીરિક, માનસિક, આર્થિક અને ભાવનાત્મક સ્વરૂપો વિશે સમજણ આપતા જણાવ્યું હતું કે મહિલાઓને કાયદા હેઠળ સુરક્ષા, નિવાસ, આર્થિક સહાય અને ન્યાય મેળવવાના અનેક અધિકારો પ્રાપ્ત છે. ઉપરાંત, ડોમેસ્ટિક ઇન્સિડન્ટ રિપોર્ટ (DIR)ની પ્રક્રિયા, પ્રોટેક્શન ઓફિસરની ભૂમિકા તેમજ બાળકોની કસ્ટડી સંબંધિત કાનૂની જોગવાઈઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન જેન્ડર સ્પેશિયાલિસ્ટ હિતેશભાઈ ધોરીયાએ મહિલા સ્વાવલંબન અને સશક્તિકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે ઉપલબ્ધ સહાય અને તકો વિશે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત સર ટી હોસ્પિટલના કેન્સર વિભાગના વડા ડૉ. નિલેષભાઈ કુચાએ કેન્સરના વિવિધ પ્રકારો, તેના પ્રારંભિક લક્ષણો, નિવારણ અને સમયસર સારવારના મહત્વ વિશે માહિતી આપી હતી. ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા કેન્સર અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટિયાએ મહિલાલક્ષી સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના નિષ્ણાતો દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. આ સેમિનાર મહિલાઓમાં કાનૂની જાગૃતિ, આરોગ્ય પ્રત્યેની સજાગતા અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande