


- પોલીસ તંત્રની છબી ખરડવાના કેસમાં 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા ફરમાન
- ટિપ્પણીઓ તદ્દન પાયાવિહોણી હતી સમગ્ર પોલીસ તંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું હતું
- 29 જુલાઈએ જેલ પ્રશાસન તેમને કોર્ટમાં હાજર કરે છે કે કેમ અને વસાવા શું પક્ષ રાખે છે તેના ઉપર મદાર
ભરૂચ, 25 જૂન (હિ.સ.) : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાનૂની સંકટ સતત વધી રહ્યું છે. વનકર્મીઓ પર હુમલાના કેસમાં તાજેતરમાં જ 7 વર્ષની જેલની સજા પામેલા ધારાસભ્ય સામે હવે પોલીસ તંત્રની બદનામી કરવાના અન્ય એક કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ભરૂચ કોર્ટે ચૈતર વસાવાને આગામી 29 જુલાઈએ કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે સ્પષ્ટ આદેશ કર્યો છે.
આ સમગ્ર વિવાદ જુલાઈ 2024 દરમિયાનનો છે, જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે ગંભીર અને વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, વસાવાએ કરેલી આ ટિપ્પણીઓ તદ્દન પાયાવિહોણી હતી, જેનાથી સમગ્ર પોલીસ તંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને કાનૂની પગલાં ભરવાની તજવીજ શરૂ કરાઈ હતી. ધારાસભ્ય દ્વારા કરાયેલા આક્ષેપોને પગલે તે સમયના ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા એક સત્તાવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ તપાસ અહેવાલના આધારે જ ભરૂચની કોર્ટમાં ચૈતર વસાવા વિરૂદ્ધ રીતસરની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે આ કેસમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવી છે. આ પૂર્વે ભરૂચ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 23 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, વસાવા હાલ જેલમાં હોવાના કારણે વહીવટી કારણોસર આ નોટિસની યોગ્ય બજવણી થઈ શકી ન હતી.
જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ આ ટેકનિકલ બાબતની વિગતવાર રજૂઆત કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. સરકારી વકીલની રજૂઆતો સાંભળ્યા બાદ, કોર્ટે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ની કાનૂની જોગવાઈઓનો સહારો લીધો છે. કોર્ટે આરોપી ધારાસભ્યને ન્યાયના સિદ્ધાંત મુજબ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત જૂની મુદત રદ કરીને હવે આગામી 29 જુલાઈની નવી આખરી તારીખ મુકરર કરવામાં આવી છે.
આદિવાસી બેલ્ટમાં ભારે જનાધાર અને મજબૂત પકડ ધરાવતા યુવા નેતા ચૈતર વસાવા હાલ વનકર્મી પર હુમલાના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યા છે. સજાના કારણે તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં છે, ત્યારે હવે વધુ એક કેસમાં કોર્ટની ટ્રાયલ શરૂ થતાં તેમની રાજકીય કારકિર્દી પર સંકટના વાદળો ઘેરાયા છે. 29 જુલાઈએ જેલ પ્રશાસન તેમને કોર્ટમાં હાજર કરે છે કે કેમ અને વસાવા શું પક્ષ રાખે છે, તેના પર હવે ગુજરાતના રાજકારણની નજર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ